પૃષ્ઠ:Mabapone.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
માબાપોને
 

બગડે; કારણ કે તેમ કરવાની બાળકને જરૂર નથી; કારણ કે તેમ કરે તેના કરતાં પાઠો ન કરે? અને જ્યારે બાળકના હાથમાંથી એક પછી એક એમ બધી પ્રવૃત્તિઓ ઝૂંટવી લઈએ છીએ ત્યારે તેનામાં વિકૃતિ પેદા થાય છે. આ વિકૃતિ પછીથી અનેક સ્વરૂપો લે છે. તમામ જાતની ગંદકીમાં રસ લેવો, ગંદા રહેવું, ગંદું કરવું, ગંદી રમતો રમવી, ગંદું બોલવું વગેરે વિકૃતિનાં રૂપો છે.

બાળકોની ગંદી રમતોનાં આવાં મૂળો છે, તેનાં ઉત્તેજનકારણો છે, તેનું વાતાવરણ છે.

ત્યારે હવે આપણે મોટેરાંઓએ આ બાબતમાં શું કરવું જોઈએ?

પ્રથમ તો આપણે બાળકોના હાથમાં પ્રવૃત્તિ મૂકી દેવી જોઈએ. બાળકો લખે વાંચે એ પ્રવૃત્તિ છે, પણ તે બાળકોની સર્જનાત્મક પ્રવૃત્તિને પૂરો અવકાશ નથી આપતાં; તેની મારફત બહુ જ ઓછો આરામ અને માર્ગ મળે છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ એટલે બાળકો હાથે પગે કરીને જે કાંઈ ઉપજાવે તે. માટીનાં રમકડાં કરવાં, લાકડાનું કામ કરવું, હથોડી ખીલા અને લાકડાથી જે કાંઈ સૂઝે તે કરવું, ખાડા ખોદવા, બાગ કરવો, ઝાડને પાણી પાવું, વાળવું ચોળવું, વાસણ ઊટકવાં, કપડાં ધોવાં, ગોઠવવું, છરી અને કાતરના અનેક જાતના ઉપયોગ કરવા, કાતરકામ કરવું. આ બધાં કામો બાળકમાં રહેલ સર્જનાત્મક વૃત્તિને ગતિ આપશે, ઓપ આપશે, બાળકને સંતોષ આપશે અને તેથી ખોટે માર્ગે જવાનું સહેજે બંધ પડશે. ગંદી રમતો રમીને શરીર અને મનને ગંદાં કરવાં કરતાં આ રમતોમાં હાથપગ બગડે અગર કપડાં બગડે તો કશું જ નુકસાન નથી. ઊલટું આ રમતો