પૃષ્ઠ:Mabapone.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની ગંદી રમતો
૧૩૧
 

બાળકના શરીરને વધારે ઊજળું અને મનને સ્વચ્છ તથા નીરોગી બનાવશે. ગંદી રમતો મનની માંદગી છે; પ્રવૃત્તિ એક જ મનની માંદગીની દવા છે.

ઉપરની પ્રવૃત્તિ ઉપરાંત નાટકો કરવાં, નાચવું, રમવું, શણગારો કરવા, ગોઠવણો અને મંડપો કરવા - એ બધી પણ પ્રવૃત્તિઓ છે. આ પ્રવૃત્તિઓ કે પેલી જાતની પ્રવૃત્તિઓ કે હરકોઈ પ્રવૃત્તિ, જેમાં હાથપગ મૂળ વપરાય છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોના સહકાર સાથે કંઈક બને છે, એ બધી પ્રવૃત્તિ બાળકોને નીચે માર્ગે જતાં રોકે છે અને તેમનું ચારિત્ર્ય ઘડે છે.

ચારિત્ર્ય એટલે ઘણું જાણવું એ નથી. ચારિત્ર્ય એટલે પોપટ જેમ સાચું ખોટું શું તે બોલવું તે નથી. ચારિત્ર્ય એટલે સત્ અસત્ સમજવું એ પણ નથી. ચારિત્ર્ય એટલે ખરું આચરવું અને ખોટું ત્યાગવું એ જ છે; અને આચરી તે શકે કે જેનાં હાથપગ વગેરે કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયો સાબૂત છે, બળવાન છે, તેજસ્વી છે અને કાબૂમાં છે. આ કાબૂ હંમેશ કામ કરવાથી, પ્રવૃત્તિ કરવાથી આવે છે; ખુરશીમાં બેસી વાંચવાથી કે વિચારવાથી નથી આવતો. ચારિત્ર્યનો પાયો જ પ્રવૃત્તિ છે.

સમજુ માબાપોએ બાળકોને પ્રવૃત્તિ આપવા મહેનત કરવી જોઈએ. બાળકોને માટે રાખવામાં આવેલ શિક્ષક પ્રવૃત્તિ નથી, પણ તેનો વિરોધ છે. શિક્ષક જેટલો વખત બાળકને પરાણે બેસાડીને ભણાવે છે તેટલો વખત બાળક સડે છે, ગંદું થવાની તૈયારી કરે છે. જ્યારે બાળક રાજીખુશીથી રમે છે ને કૂદે છે, નાચે છે ને ગાય છે, ખોદે છે ને ચણે છે, ભાંગે છે ને ફોડે છે ત્યારે તે સાચું થઈ રહ્યું હોય છે, ત્યારે તે મહાન બની રહ્યું હોય છે, ત્યારે તે મનુષ્યત્વ મેળવી રહ્યું હોય છે.