પૃષ્ઠ:Mabapone.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
માબાપોને
 


પ્રવૃત્તિ ખાલી વાતાવરણમાં શક્ય નથી; વાતાવરણ પ્રવૃત્તિદાયક અને પોષક કરવાની આપણી ફરજ છે. એટલે જ આગળ કહી તે બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓનાં સાધનો આપણે આપણાં ઘરોમાં વસાવવાં જોઈએ. ઘરમાં બાળકને એક જગ્યા આપી ત્યાં તેને પોતાને મનગમતું કરવાની પૂરી છૂટ આપવી જોઈએ. બાળકોના કામમાંથી કંઈ રળવાની આશા રાખવી નહિ; તેનાં કામો સંપૂર્ણ અને સુંદર થાય નહિ તો મૂંઝાવું નહિ. આપણે બાળકો પાસેથી વાસણ ઉટકાવવા નથી માગતા; તે માટે આપણા અગર નોકરોના હાથ છે. બાળકો ઘર વાળીને સાફ કરે ને આપણી મહેનત બચે તે માટે બાળકોની પ્રવૃત્તિ આપણે કબૂલ રાખીએ છીએ તેમ નથી; પણ આપણે તો બાળકોને જીવવા માટે, વિકસવા માટે, શક્તિ વધારવા માટે તેમને વાતાવરણ આપીએ છીએ. તેનો લાભ બાળકોનો વિકાસ છે; વાસીદું વળાઈ જવું કે વાસણો સાફ થઈ જવાં એ લાભો નથી. એની કિંમત ચારિત્ર્ય ઘડતરની સામે બહુ જ ઓછી છે. જો પ્રવૃત્તિ ચારિત્ર્ય છે તો પ્રવૃત્તિ કરવી એ જ કીમતી વસ્તુ છે, તે જ પરમ લાભ છે.

હવે બીજી બાબત સોબતની છે. આપણે માબાપોએ આ બાબતમાં જાગતાં રહેવું જોઈએ. જેમ ચેપી રોગોનું છે તેમ જ સોબતનું છે. ચેપી રોગો ભલે બહારથી આવે છે પણ નુકસાન તો કરી જ જાય છે, તેમ સોબત બહારની છે પણ ખરાબ પરિણામ વળગાડી જ જાય છે.

બાળકો જ્યારે ઘરમાં ભેળાં થઈ રમે ત્યારે તેઓ એકાંત ખૂણો શોધી, પડદા પાછળ , ડામચિયા કે કબાટ પાછળ ન રમે, કોઈને ન સંભળાય તેવી ગુસપુસ ન કરે, અને કંઈ છાનુંછાનું ન