પૃષ્ઠ:Mabapone.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની ગંદી રમતો
૧૩૫
 

રમવા બાબત મારવાનાં નથી કે ધમકાવવાનાં નથી. મારવાનું આપણામાં રહેલું વલણ સર્જનાત્મક વૃત્તિ હલકી થતી જાય છે તેનું સૂચક છે. માર મારવો એ પોતે જ એક વિકૃતિ છે, એક બદી છે. એટલે માર મારવાથી વિકૃતિ દૂર થવાને બદલે તેને ગતિ મળે છે. માર ખાનાર બાળક તે જ કારણે બીજાને માર મારતાં શીખે છે; એટલું જ નહિ પણ બીજા ઉપર ગંદકી નાખતાં, બદી ચલાવતાં શીખે છે. મારના રસાયણમાંથી બદી સ્વતઃ પેદા થાય છે. મારા સર્વથા ત્યાજ્ય છે.

ધમકાવવાથી બાળક લુચ્ચું થાય છે, ચોર બને છે. બીક હિંમેશાં માણસને ચોરટો અને ખંધો બનાવે છે. બુદ્ધિનો ખોટો ઉપયોગ પણ બીકને લીધે જ થાય છે. બીક માણસની શુદ્ધ વૃત્તિને મલીન કરે છે. માટે બાળક ગંદું કરતું હોય તો તેને ધમકાવવું નહિ; પણ જેમ કોઈ બાળકને તાવ આવે છે ત્યારે તેની દવા જ કરીએ છીએ, તેમ જો બાળક બદીમાં આવી ગયું તો બદીને રોગ સમજી તેની દવા જ કરવાની જરૂર છે; માર મારવો તથા ધમકાવવું એ રોગની દવા નથી પણ રોગને ઢાંકવાનાં ઢાંકણો માત્ર છે. ઉપરથી ઢાંકેલો રોગ આખરે રોગ જ રહે છે કે માણસને ઘાતક નીવડે છે, તેમ મૂળ દૂર કર્યા વિનાની અને ઉપરથી દબાયેલી વૃત્તિ તેની તે જ રહે છે, અને આખરે તે ફાટી નીકળી બાળકને હેરાન કરે છે. બાળકની વૃત્તિને દબાવી દેવાની નથી, તેને દૂર કરવાની છે. દાબેલી વૃત્તિ આખરે તો અંદર જ રહે છે. દૂર કરેલી વૃત્તિ જ દૂર જાય છે.

બાળકને ધમકાવવું નહિ તેમ તેને શરમાવવું પણ નહિ. શરમાવવાથી બાળકને અપમાન લાગે છે. તેને થાય છે કે આવું