પૃષ્ઠ:Mabapone.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નજીવનની ધન્યતા કયારે સમજાશે ?
 


તેમાં કદાચ વાંધો ન લઈએ. પણ આપણે ત્યાં જે કાયમી મહેમાન આવે છે તેને માટે તો આપણે લાંબી અને કાયમી તૈયારી કરવી જોઈએ; વિચારપૂર્વક અને સન્માનભરી તૈયારી કરવી જોઈએ. એ મહેમાન આપણું અંગ છે; આપણી વંશવેલીને વધારનાર છે, આપણા કુળનો દીપક છે, માનવજાતિનાં પુનિત પગલાં અનંત વિકાસમાં આગળ વધારનાર એક વ્યક્તિ છે. એ બધો ખ્યાલ આપણામાં હોવો જોઈએ, અને એટલા માટે આપણી તૈયારી ભવ્ય જોઈએ.

પ્રત્યેક યુવાન અને યુવતી કંઈ નહિ તો એટલા માટે પોતાના શરીરને તંદુરસ્ત અને સશક્ત બનાવી લે કે એ જ શરીર તેને ત્યાં અવતરવાનું છે. જેવાં મા અને બાપ શરીરસંપત્તિમાં હશે તેવાં બાળકો થવાનાં. એટલું જ નહિ પણ શરીરસંપત્તિથી સુખી માબાપો જ બાળકોને સારી રીતે સાચવી શકશે અને પોતે બાળકોના સુખનો લહાવો લઈ શકશે. આજની માંદલી માતાઓને બાળક કેવળ ભાર અને દુઃખ રૂ૫ છે. એ દુઃખથી આપણે દુઃખી થઈએ તોપણ એ દુઃખનાં જવાબદાર માબાપો જ છે.

લગ્નજીવન શરૂ કર્યા પછી પણ માબાપો પોતાના શરીરને સાચવીને તેનાં સુખો ભોગવે તો તેઓ બાળકને આશીર્વાદ રૂપ થશે. જેઓ પોતાના પ્રાણને વિના વિચારે વધારે પડતો વાપરી નાખશે કે વેડફી નાખશે તેઓને પોતાના જીવનના આનંદોના દિવસો ટૂંકાવવા પડશે. સુખ ભોગવવા માટે પણ સુખને સંયમથી ભોગવવાની આવશ્યકતા છે.

બાળક-અતિથિનું સ્વાગત કરવા માટે આપણે મનથી પણ તૈયાર થવું જોઈએ. એટલે કે આપણે જાણવું જોઈએ કે નાના બાળકનો ખોરાક શો હોઈ શકે, તેને દાંત આવે કે રોગો થાય ત્યારે તાત્કાલિક શા ઉપાય કરવા, તેને ભાષા બોલવાનું ક્યારે આવે છે