પૃષ્ઠ:Mabapone.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
માબાપોને
 


બાળક સવારે ઊઠે છે ત્યારે તેને મન દુનિયા નવી લાગે છે. દુનિયાને પણ બાળક રોજ ને રોજ નવું જ લાગે છે.

રોજ સવાર પડે અને માની સોડમાં એક કમળ ખીલે.

શિયાળાની આખી રાત માને ચોટી ચોંટીને માની ગોદમાં ભરાઈ રહેલું બાળક માને કેટલું મીઠું લાગતું હશે ?

બાળક માના પ્રેમથી જીવતું હશે કે માતા બાળકની મીઠાશથી જીવતી હશે ?

બાળક જ્યારે પોતાની નાની નાની ટાંટુડીઓ હલાવે છે ત્યારે એને કેટલી કસરત થાય છે કે હવામાં તે એકંદર કેટલું ચાલે છે એનો આપણે વિચાર કરીએ છીએ કે તે જોવામાં માત્ર તલ્લીન જ થઈ જઈએ છીએ ?

ભાંખોડભેર થવા માટે બાળક જે પ્રયત્નો કરે છે તેમાં અને દુનિયાનું રાજ્ય લેવા માટે સુલતાનો જે પ્રયત્નો કરે છે તેમાં કંઈ ફેર લાગે છે ? બાળકનો પ્રયત્ન કેટલો નિર્દોષ છે ! સુલતાનોનો કેટલો દોષપૂર્ણ અને ભયંકર છે !

નાગપૂજાનો યુગ ગયો છે, પ્રેતપૂજાનો યુગ ગયો છે, પથ્થરપૂજાનો યુગ ગયો છે અને માણસપૂજાનો યુગ પણ ગયો છે. હવે તો બાળપૂજાનો યુગ આવ્યો છે.

નવા યુગને કોણ ઘડશે ?

જનતાનો પ્રવાહ અસ્ખલિત કોણ રાખશે ?

આગામી યુગનો સ્વામી કોણ છે ?

ભૂતકાળની સમૃદ્ધિને વર્તમાનની વિભૂતિ ભવિષ્યને ખોળે કોણ ધરશે ?

નિરાશા શબ્દ બાળકના કોશમાં નથી. બાળકને ચાલવાને