પૃષ્ઠ:Mabapone.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપણાં બાળકોને ખાતર

આપણે આપણાં બાળકો ખાતર શું કરીશું ?

આ વળી એક નવો પ્રશ્ન. બાળક માટે આપણે શું નથી કરતાં કે વળી આવો પ્રશ્ન પુછાય છે ?

આપણે તેને ખવરાવીએ પિવરાવીએ છીએ. આપણે તેને રમાડીએ જમાડીએ છીએ. આપણે તેને પહેરાવીએ ઓઢાડીએ છીએ. આપણે તેને નિશાળે મોકલી ભણાવીએ છીએ. આપણે તેને માટે પૈસા એકઠા કરીએ છીએ. છતાં શા માટે આવો પશ્ન પૂછવાનું બને છે ?

પણ આ પ્રશ્નને જરા ગંભીરતાથી વિચારીએ.

આપણે તેની ખાતર આટલું તો કરવું જ જોઈએ. તેને કઢંગાં કપડાં ને બેડોળ ઘરેણાંથી ન શણગારીએ; તેને સ્વચ્છ તો રાખીએ જ.

તેને ખરાબ પુસ્તકો અને ખરાબ સહવાસમાંથી બચાવીએ. તેને પ્રાણઘાતક શાળામાંથી ઉઠાડી જ લઈએ. આપણે તેને કદી પણ શિક્ષા ન જ કરીએ.