પૃષ્ઠ:Mabapone.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાળકનું ઘરમાં સ્થાન કયું ?

રોજ રસોઈ કોને પૂછીને થાય છે ?

બાળકને આ વસ્તુ ભાવશે કે નહિ, તેને આ પચશે કે નહિ, એવો વિચાર રાંધતી વખતે કેટલી માતાઓ કરે છે ?

બાળકોને કંઈ ભાવે નહિ તો આપણે કહીએ કે તેને ખાતાં જ ક્યાં આવડે છે ? એને સ્વાદનું ભાન જ ક્યાં છે ?

તીખું લાગે ને બાળક ખાવાની ના પાડે તો આપણે કહીએ કે તીખું ખાવાની ટેવ તો પાડવી જોઈએ ના ?

આપણને ખારું ખાટું ગમતું હોય તો આપણે તેને ખારું ખાટું ખાવાનાં હિમાયતી કરીએ; ભાત ભાવતો હોય તો ભાતનાં ને શાક ભાવતું હોય તો શાકના હિમાયતી કરીએ.

બાળકે આપણા હુકમને અનુસરવું જોઈએ જ, કારણ કે આપણું શરીર તેના કરતાં મોટું છે. પણ એટલેથી આપણને સંતોષ ક્યાં છે ? એણે તો આપણી ટેવોને, આપણા શોખોને આપણી પસંદગીને પણ પોતાની જ કરવી જોઈએ.

આપણે જેમ બેસીએ તેમ બેસતાં તેણે શીખવું જોઈએ;