પૃષ્ઠ:Mabapone.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
માબાપોને
 


આપણે જ્યાં કશું ભાળતાં નથી ત્યાં બાળક ચમત્કાર ભાળે છે.

નાનું ફૂદડું ભાળી બાળક ગાંડું બને છે; પતંગિયું જોઈ તે પતંગિયું જ બની જાય છે; દેડકું જોઈ તે કૂદે છે; ઘોડો જોઈ તે હણહણે છે; ગાયને ભાળી તે ડચકારો કરે છે.

નાનું ઘાસનું તરણું બાળકનો મોટો સંગ્રહી રાખવા જેવો પદાર્થ છે.

તેના ખીસામાં જુઓ તો ઘાસનાં તરણાં મળે, ફૂલો ને પાંદડાંના ડૂચા જડે.

કુદરતમાં નહાયા વિનાનું બાળક કુદરતના ભેદો કેમ ઉકેલશે ?

ચાંદની, નાની શી ખળખળતી નદી, ખેતરોની ધૂળ, વાડીનાં ઘરો, ટેકરીના કાંકરા, ખુલ્લા મેદાનની હવા અને આકાશના રંગો બાળકને મળેલી કુદરતી ભેટો છે.

એના હાથે છૂટે હાથે ઉપયોગ લેતાં આપણે તેને કેમ અટકાવીએ ?

બાળકને ખુલ્લા આકાશ તળે અને ઉઘાડી પૃથ્વી ઉપર રાત-દિવસ રાખવામાં આવે તો તેઓ ઘરમાં આવવાની વાત જ ન કરે.

ફૂલો તો તેના દિલના દોસ્તો. એને જોઈને તો એ ગાંડું બને; આઘેથી ફૂલો જુએ ત્યાં નાકનું ટીચકું હલે; મો ઉપર અજવાળું પથરાય; દાંતની કળીઓ દેખાઈ જાય; ગાલ ઉપર બે નાના એવા ખાડા પડે.

બાળક ફૂલ ઉપર આફરીન; માતા બાળક ઉપર આફરીન !

બાળક પહેલાં કુદરતની મીઠાશ સમજે ને પછી તે આપણી મીઠાશ સમજે.