પૃષ્ઠ:Mabapone.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકનું ઘરમાં સ્થાન ક્યું ?
૨૭
 


બાળક ધૂળમાં આળોટી ઊંચે રહેલા આકાશની સામે જોઈ રહે છે ત્યારે એ શું કરતું હશે ?

આખી કુદરતને તે પીતું હોય છે. આખી સૃષ્ટિને તે ભરી દેતું હોય છે.

ચાંદો તેને રોજ ને રોજ નવો નવો આનંદ આપે છે.

ચાંદો રાતે જ દેખાય. એને એમ થાય કે ચાંદો દિવસે ક્યાં સંતાઈ જતો હશે ? સંતાકૂકડીની રમત બાળકો ચાંદા પાસેથી જ શીખ્યાં હશે ?

આપણે તો હબુક પોળીનો ગમે તે અર્થ કરીએ; એ કામ તો રહ્યું લોકસાહિત્યાચાર્યોનું. ભલે આપણે બાળકને છાનું રાખવા હબુક પોળીની રમત રમાડીએ; પણ બાળક તો એમ જ સમજતું હશે કે મને ચાંદાનું તેજ ખવરાવે છે.

ચાંદાનું તેજ – તેની શીતળતા કોને ન ગમે ?

બાળકની મજા તો ચાંદાનો રંગ જોવામાં છે, એની ચાંદનીથી નાહવામાં છે, એનું તેજ આંખે ભરવામાં છે.

ચાંદામાં હરણ ને ડોશી દેખાય છે એ વાત બાળક તુરત જ માની લે છે; એ એનું ભોળપણ નહિ પણ ગાંડપણ. કુદરત સાથેની એની એટલી લગની. વિજ્ઞાનની કર્કશતા બાળકના મગજને ન રુચે. એમાં જ બાળકોને પરીઓની વાતો ગમે છે. અદ્ભુતતા એ એનો સ્વભાવ અને અદ્ભુતતા એ એની મજા !

પણ આપણે બાળકને લઈને ચાંદનીમાં ફરવાને ક્યાંથી નવરા હોઈએ ?

આપણે ચાંદની ઉપર કાવ્ય ન કરવું હોય ? આપણે હરણ અને ડોશીની લોકવાર્તાનું મૂળ ન શોધવું હોય ? આપણે ચંદ્રમામાં જીવન્ત પ્રાણીઓ છે કે નહિ તેની શોધ ન કરવી હોય ?