પૃષ્ઠ:Mabapone.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
માબાપોને
 


આપણે તે નવરા ક્યાંથી હોઈએ ?

માણસ સાચો કવિ તે ક્યાંથી થાય ?

માણસને ચિત્રકલામાં ચમત્કાર કેમ લાગે ?

કુદરતને પી ગયા વિના માણસ કુદરત ચીતરે ક્યાંથી ? તેનું ગાન શી રીતે ગાય ? તેની કવિતા શી રીતે કરે ?

વગર જમ્યે કદી પેટ ભરાય છે ?

બાળકને કુદરતથી દૂર રાખી આપણે એને કેવું બનાવશું ? દેવ કે રાક્ષસ ?

ફરી વાર એ જ પ્રશ્ન પૂછું છું : બાળકનું ઘરમાં સ્થાન શું ?

બાળકો માટે કયો ઓરડો, એનો વિચાર મકાન બાંધતી વખતે કોઈ કરે છે ?

ઘર ભાડે લેતી વખતે આમાં બાળકોને રમવાને જગ્યા છે કે નહિ તેનો વિચાર આપણે નથી કરતા. મોરી છે કે નહિ, રસોડામાં અજવાળું છે કે નહિ, સૂવાની જગામાં હવા આવે છે કે નહિ, નાહવાને નળ અને શૌચ માટે જાજરૂ છે કે નહિ, ને ગોદડાં તડકે નાખવાને અગાશી છે કે નહિ, એ પ્રશ્નો ઘરધણીને આપણે પૂછીએ છીએ. હજી સુધી કોઈએ પૂછ્યું છે અથવા ઘરમાં જઈ તપાસ કરી છે કે ઘરમાં બાળકોને રમવાની જગ્યા છે કે નહિ ?

ઘર ભાડે લેતાં આપણને બાળકો ક્યાંથી જ સાંભરે ? બાળકો માટે વળી અલાયદી જગ્યા કેવી ? એ વિચાર જ આપણને નવો લાગે છે.

એટલાં નાનાં નાનાં પ્રાણીઓનો આજથી હક્ક ? એમને માટે વળી આજથી જ ખટપટ ! આખું ઘર જ એમનું છે ના ? ખાય, પીએ ને મજા કરે છે ! આખા ઘરમાં ફરતાં, હરતાં ને રમતાં કોણ એમને રોકે છે ?