પૃષ્ઠ:Mabapone.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકનું ઘરમાં સ્થાન ક્યું ?
૩૧
 


બદલે કરવું જોઈએ. બાળકપ્રેમી માતપિતા એમ જાણે કે આપણે બાળકને ખૂબ સુખી કરીએ છીએ.

બાળકના મહત્ત્વને સમજવાનો દાવો કરનાર કહે કે અમે બાળકને બદલે જે બધું કરીએ છીએ, તે તેની પૂજા કરવા ને તેને માન આપવા કરીએ છીએ. પણ બધાં બાળકને પળે પળે અપંગ કરે છે, બાળકને ગુલામ બનાવે છે. જેના આપણે ગુલામ બનીએ છીએ તે આપણો મોટો ગુલામ થાય છે !

આપણે બાળક ઉપર વિશ્વાસ કરીએ છીએ ? કામનું વાસણ તેને ઊંચકવા દઈએ છીએ ? કોઈને રસોઈ પીરસવા દઈએ છીએ ? બત્તી કરવા દઈએ છીએ ? ચૂલામાં દેવતા પાડવા દઈએ છીએ ? તેના નાના નાના રૂમાલો અને કપડાં ધોવા દઈએ છીએ ?

આપણે કહીએ છીએ કે એનાથી એ ન બને; આપણે માનીએ છીએ કે એનામાં વ્યવસ્થા કરવાની શક્તિ જ નથી. પણ આપણને આંખ જ ક્યાં છે ?

અજ્ઞાનનું ઘોર અંધારું આપણી ફરતું ફરી વળ્યું છે.

એના ઉપરના વિશ્વાસથી એને કોઈ વાર આપણે તક આપી છે ?

આપણે એને બદલે કદી ખાતાં પીતાં નથી; આપણે એને બદલે ચાલતાં નથી; આપણે એને બદલે રમતાં નથી.

પણ આપણે એને બદલે એનાં વાસણ ઊટકીએ છીએ; એને લૂગડાં પહેરાવીએ છીએ; એને પાટલા નાખી દઈએ છીએ.

આપણને આપણા જોગું કામ કરવાની મના થાય તો ? આપણે માટે બધું કામ બીજાં જ કરે તો ? આપણે ગુલામ કે શેઠ ?

એવી શેઠાઈ આપણે પસંદ કરીએ ?

એ શેઠાઈ કે મૃત જીવન ?