પૃષ્ઠ:Mabapone.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાતાવરણ, સાધનો, સંચાલન અને સત્તાની ઊણપો જવાબદાર હશે. પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યા. આદર્શ શિક્ષણ અને એમાંથી સર્જાતો આદર્શ માનવી – એ લક્ષ્ય સાધવામાં ગિજુભાઈનાં પુસ્તકો શ્રેષ્ઠ ફાળો આપી શકે એમ છે. આવાં ઉત્તમ પુસ્તકો પ્રગટ કરતાં અને સામાજિક ઋણની અદાયગીનો સંતોષ અનુભવીએ છીએ.

– પ્રકાશક
 
બે બોલ
(પહેલી આવૃત્તિ વખતે)

આ પુસ્તકને આદરપૂર્વક ગુજરાત પાસે ધરું છું ને આવું પુસ્તક અમારે ત્યાંથી છપાય એ માટે હું મગરૂબ હું ત્રણ બાળકોના પિતા તરીકે આ પુસ્તકને આપણાં ઘરોના એક મોંઘા મહેમાન તરીકે હું વધાવું છું.

આ પુસ્તક સાવ સાદું છે. એના વિષયો કોઈ અવનવી ફિલસૂફીના વિષયો નથી. જીવનમાં લગભગ દરરોજ આપણી પાસે જ આળોટતા પ્રશ્નો એ આ પુસ્તકના પ્રશ્નો છે અને એમાં જ આખાયે પુસ્તકની ખૂબી છે.

પરણવું એ એક વાત છે અને પરણી જાણવું અર્થાત્ લગ્નજીવનને સુવાસિત બનાવવું એ બીજી વાત છે. માબાપ થઈ બેસવું એ એક વાત છે અને માબાપ તરીકે પોતાની ફરજો અદા કરી જાણવી એ બીજી વાત છે. જેઓ માબાપ થયાં હોય, તેમ જ જેઓ હજી એ પદનાં ઉમેદવારો હોય તેમને બંનેને આ પુસ્તક બહુ જ ઉપયોગી નીવડશે.

પ્રજા આખી ઘોડિયામાં જ ઘડાય છે એ વાત સાચી છે તો એ ઘોડિયાની દોરી ખેંચવા માટે પણ અધિકાર મેળવવી પડશે. બચ્ચાં તો પંખી જાનવરોને પણ થાય છે, પણ માનવબચ્યું એ વિશિષ્ટ પ્રાણી છે, અને એના પર સાચી માનવતાના આંક મૂકવા એ માબાપોની એક પવિત્ર ફરજ છે.

૧૫-૮-૧૯૩૪
નાનાભાઈ