પૃષ્ઠ:Mabapone.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘરમાં બાળકે શું કરવું?
૩૭
 
: ૩ :
લાકડાની ઈંટો અને ઘનો

આ સાધનો અતિ મહત્ત્વનાં છે. લાકડાની ઈંટો કે ઘનોથી બાળકો મિનારા, દીવાલો, ઘરો, કૂવા, વાવ, તળાવ વગેરે સ્થાપત્યને લગતા ઘણા આકારો બનાવે છે. એક દીવાલ બનાવવામાં કેટલીય જાત રચે છે. ઉપરાંત ઈંટો કે ઘનોને જમીન પર ગોઠવી જાતજાતની આકૃતિઓ ઉપજાવે છે. બાળક આ પેટી વાપરવામાં ખૂબ મજા લે છે. તેનો આત્મા નાના રૂપે છતાં સંપૂર્ણ કલ્પનાથી રચનાઓ રચે છે. કલાત્મક સર્જન માટે આ પ્રવૃત્તિ સુંદર અને ઉપકારક છે. એક અથવા બે કે તેથી વધારે બાળકો ભેગાં મળી આ સાધનો વાપરે છે. ઈંટોની એક પેટી અને ઘનોની એક પેટી બાળકને પાથરણા સાથે આપવી.

: ૪ :
ચિત્રો : જોવાં અને કાઢવાં

બાળકોને લાંબો વખત પ્રવૃત્તિ આપે એવાં કામોમાં ચિત્રો જોવાં અને કાઢવાં એ છે. દરેક ઘરમાં થોડાંએક ચિત્રો વસાવવાં. તેમાં પોસ્ટકાર્ડ ચિત્રો ખાસ હોય. આ ચિત્રોમાં બાળકોને ગમે તેવા વિષયો પસંદ કરવા: જેમ કે પશુપક્ષીનાં કાર્ડો, પતંગિયાનાં, બજારનાં, તેમ જ હંમેશ આસપાસ બનતા બનાવોનાં ચિત્રો, માબાપો ચિત્રો ખરીદી ન શકે તો તેઓ રખડતાં રઝળતાં છાપાંઓનાં પૂંઠાંઓ પરથી તેમજ અંદરથી ચિત્રો મેળવી શકે છે. આ ચિત્રો બરાબર જોઈએ તેવાં તો નથી હોતાં, પણ બાળકોને ચાલી શકે તેવાં હોય છે. નહિ મામા કરતાં કહેણો મામો શો ખરાબ ? એવો હિસાબ આમાં છે. આપણે ચિત્રો એકઠાં કરવાની બાબતમાં જરાએક નજર કેળવીએ તો ઘણું ઘણું મળી રહેશે. કોઈ