પૃષ્ઠ:Mabapone.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘરમાં બાળકે શું કરવું?
૩૯
 


આછું-પાતળું જે સર્જન કરે છે તે જ તેને માટે અદ્ભુત અને ભવ્ય, સંપૂર્ણ અને સુંદર સર્જન છે. આ દષ્ટિએ બાળકોના લીટા એ ચિત્રો છે. બાળકોનાં ઢંગધડા વિનાનાં કાગડા અને ગાયનાં બે લીટા અને ટપકાંથી કાઢેલાં ચિત્રો પણ ચિત્રો જ છે.

બાળકોને કાળું પાટિયું ને ધોળા અગર રંગીન પરંતુ સારા અને હાથ ન બગડે તેવા ચાક આપવા. આગળ જતાં રંગીન પેન્સિલો અને કાગળના ટુકડા આપવા.

ગરીબ ઘરમાં બાળકો ગાર કરેલી જમીન પર ચાકથી લીટા કાઢે. મા વખત લઈને બે ચાર દિવસે જમીન લીંપી નાખે.

ચાક, પાટિયું, કાગળ અને પેન્સિલો એવું કશુંય ન મળે ત્યાં બાળકોને ફળિયામાં ધૂળમાં લીટા અને ચિત્રો કાઢવાની અવશ્ય છૂટ જોઈએ. ગામડાંઓમાં ધૂળમાં લીટાથી ઘણી જાતનાં ચિત્રો થાય છે; જેમ કે હાટડી, સાથિયા વગેરે વગેરે.

બાળકોને સાહિત્ય આપવું. તેઓને જે કાઢવું હોય તે કાઢવા દેવું. ભૂલ ન કાઢવી. કાઢેલાં ચિત્રો ભેગાં કરી કોઈ નજીકની ચિત્રશાળા અગર શિક્ષણ સંસ્થા પર મોકલવાં અને અભિપ્રાય માગવા. સૂચનાઓ મળ્યા પ્રમાણે કામ આગળ લેવું.

: પ :
માટીનાં રમકડાં

બાળકોને માટીનાં રમકડાં રમવાની છૂટ આપવી. ચોમાસામાં ગારો તૈયાર હોય છે; બીજી ઋતુઓમાં ખેતરની ને છેવટે શેરીની કે ફળિયાની ધૂળનો ગારો વાપરવા દેવો. જરા ખર્ચ કરીને ભૂતડો કે લાલ પીળી માટી પણ આ કામમાં વાપરી શકાય.

જેઓ પૈસા ખર્ચી શકે છે તેઓ રીતસરની માટી (clay) જ મંગાવે; તેઓ પ્લેસ્ટીસીન પણ મંગાવે.