પૃષ્ઠ:Mabapone.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘરમાં બાળકે શું કરવું?
૪૧
 


મોટાં બાળકો ટાંકણીઓથી કાગળમાં કાણાં પાડી તેમાં આકારો બનાવે છે.

ટાંકણીઓથી ગણવાનું કામ પણ ચાલે છે. ટાંકણીઓને જુદી જુદી રીતે ગોઠવી તેની ઘટનાઓ (designs) પણ થઈ શકે છે.

એક પ્યાલો, પીનકુશન ને જરા જાડા કાગળ, આટલાં વાનાં બાળકને આપવાં.

: ૭ :
લૂગડાના ટુકડા

નાનાં બાળકોને ખાસ કરીને નાના નાના લૂગડાના કટકા આપવાથી તેઓ તેને રૂમાલ પેઠે સંકેલવાનું કામ ઘણો લાંબો વખત કરે છે. હાથે કરવાની બીજી ક્રિયા જેટલો જ તેનાથી પણ તેમને લાભ થાય છે. કેટલાએક કટકા એક પેટીમાં કે પોટકીમાં આપવા. કટકા રંગબેરંગી હોય તો વધારે સારું. કટકા રૂમાલના કદના જોઈએ. કટકા ગંદા તો ન જ જોઈએ; ગંદા થતાં તે ધોવાઈ જવા જોઈએ.

: ૮ :
મંદિરની પેટી અથવા દેવઘર

બાળકોને ઘર ઘર રમવું ગમે છે એમ જોવામાં આવે છે. તે રમતમાં આજનાં સામાજિક અનિષ્ટો પેસી જાય છે: જેમ કે રડવું, કૂટવું, સંસારજીવન વગેરે; માટે તેને બદલે તેમની રમતની વૃત્તિને તૃપ્તિ મળે તથા તેમને પ્રવૃત્તિ મળે તે માટે મંદિરની પેટી આપવી. આ મંદિરની પેટી એટલે સુંદર કલાપૂર્ણ ગોઠવણ થઈ શકે તેવાં સાધનો. જેમ કે નાનાં નાનાં તાંબાપીતળનાં વાસણ, છબીઓ, ગાદીઓ, મહુવાનાં કે એવાં લાકડાનાં કે દાંતનાં સારાં