પૃષ્ઠ:Mabapone.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
માબાપોને
 


રમકડાં વગેરે વગેરે. આ બધું બાળક ગોઠવે. વચ્ચે ઠીક લાગે તો દેવ રૂપે કંઈ મૂકે. ત્યાં ધૂપ કરે, દીવો કરે, ફૂલો પાથરે. શાંતિથી બેસે, સૌને બોલાવે બેસારે, પ્રાર્થના કરે અને કરાવે. આ એક રીતે દેવઘરની રમત પણ કહેવાય. આમાં ધાર્મિકતા વધારવાનો હેતુ ન જ હોય. કોઈ અમસ્તી ગોઠવણ પણ કરે. માબાપ જરાયે આડાં ન આવે કે સૂચના ન કરે; બાળકોને મરજી હોય તો પ્રાર્થના કરે; ગમે તે કરે. ભલે કરે. બાળકો આ જગાએ ઘર ઘરની કે ઢીંગલી ઢીંગલીની રમત બેસારે તો માબાપ તેનો નકાર કરે.

એક પેટી કે ટાંકું હોય તેમાં આ બધી ચીજો રહે. એક અથવા એકથી વધારે બાળકો આ પ્રવૃત્તિ કરે.

: ૯ :
બાગકામ

નાનાં બાળકોની એક મહત્ત્વની પ્રવૃત્તિ તે ઝાડ ઉછેરવાની છે. તેઓ નાની ઉમરે પોતાનાં કૂંડાં સાચવી શકે. ફળિયામાં ક્યારા કરી આપ્યા હોય તો બી રોપવાથી માંડી છોડને ઉછેરી શકે. તેઓ મોટાં ઝાડોને પાણી પાઈ શકે.

તેમને માટે પાણી પાવાનાં તથા ખોદવા માટેનાં તેમના હાથમાં રહે તેવાં ને ફાવે તેવાં હથિયારો આપવાં. તેમને ઘરના આંગણામાં થોડીક છૂટી જગા આપવી; થોડાએક ઘઉં, જુવાર અને મળે તો ફૂલઝાડનાં ને એવાં બિયાં આપવાં. તેમને તેમની ઢબે ભાગ કરવા દેવો. આમ વાવશે તો ઊગશે ને નહિતર નહિ ઊગે વગેરે જાતની પડ્ય ન કરતાં આપણી દૃષ્ટિએ થોડાંએક બિયાં બગડે તો બગડવા દેવાં. જેમ જેમ અનુભવ થશે તેમ તેમ તેઓને તે કામમાં સમજ પડશે. તેમનું વાવેલું એક બિયું પણ ઊગશે તો પણ તેમને મન તે ઉત્સવ સમાન થશે.