પૃષ્ઠ:Mabapone.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
માબાપોને
 


પહેર્યા એટલે ગાંડા બન્યા; ફાટલતૂટલ ઢસરડા દેખાય એમ પહેર્યા એટલે ભિખારી ને બરાબર તાલમેલથી પહેર્યાં એટલે છેલબટાઉ. એ સિવાય ઘરમાં રસોડાનાં વાસણો ને એવું ઘણું હોય છે; તેમાંથી કેટલાંયે સાધનો થઈ પડે. શરીરની ચામડીનો રંગ બદલવા આછી જાડી રાખ ભૂંસી એટલે બધા પાઉડરો આવી ગયા !

આમ કરતાં શીખવાથી સીનસિનેરી ગૌણ છે એમ સમજાય છે. સીનસિનેરી ગમે તેમાંથી ઉપજાવી લેવામાં બુદ્ધિનું કૌશલ કેળવાય છે. આમ કરવામાં હાજરજવાબી (resourcefulness) છે. ખરી વાત અભિનય છે; અભિનય નવ્વાણું ટકા બરાબર થયો એટલે તે તેના બળથી ડ્રેસ વગેરેને અનુકૂળ બનાવી દેશે. વળી નાટકોની કિંમત આપણે આત્મબળથી આંકવી છે એટલે તેને કદી પણ બહારનાં સીનસિનેરીથી ઢાંકવાં નહિ. નાટક ઘરમાં ચલાવવાં. કશું નવું વસાવવું નહિ; કશું ખાસ કરવું નહિ. નાટક કરવાનું મન થયું એટલે નાટક ચાલે. બાળકો નક્કી કરે કે કયું નાટક કરવું છે. સૌને પ્લૉટ ધ્યાનમાં હોય. તેઓ કોઈ નાટક ગોખી રાખે જ નહિ. નાટક ગોખ્યા વિના થાય એવું જાણતાં બાળકોને ભારે ગમ્મત આવશે. માથાઝીંક મટી જશે; ચાલતે નાટકે થાય છે તેવો ટેબલો નહિ થાય; પ્રૉમ્પ્ટર અને રિહર્સલ ઊડી જશે; ને ગમે તે વખતે ભળતું, બંધબેસતું, વધતું ઘટતું બોલીને પતાવવાની અને વખતસરની ખૂબી ઊભી કરવાની તક મળશે. નાટકના શબ્દોના ગોખેલાં ચોકઠાંમાં જ ચાલવાથી અભિનયને રોકાઈ રહેવું પડે છે તે નહિ બને.

ઘરમાં આ રીતે બાળકો નાટક કર્યા કરે. આપણે સાંભળવું જ જોઈએ એમ કોઈ ન માને. ઘરમાં ચલાવવા જેવી આ એક મજાની પ્રવૃત્તિ છે.