પૃષ્ઠ:Mabapone.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘરમાં બાળકે શું કરવું?
૫૧
 


તે તે વિષયમાંથી ઉપરને ધોરણે પ્રવૃત્તિઓ યોજી શકે. મારા ટૂંકા અનુભવ અને અલ્પ જ્ઞાનમાંથી ઉપલી યાદી મેં ઉપજાવી કાઢી છે.

બાળક જ્યારે જ્યારે કંઈ કરે ત્યારે ત્યારે તેને આપણે અવલોકીએ તો આપણને અને તેને લાભ છે. આપેલી પ્રવૃત્તિઓમાંથી બાળક કઈ લે છે ને કઈ નથી લેતું, કઈ તેને અત્યંત ગમે છે ને કઈ સાવ નથી જ ગમતી, તે ઉપરથી તેનું કઈ બાબતમાં વલણ છે તેનો કંઈક ક્યાસ કાઢી શકીશું.

હરકોઈ પ્રવૃત્તિ જો બાળકને એકાગ્ર રાખે નહિ, બાળક તેનાથી કંટાળી જાય, બાળક બાળક વચ્ચે માત્ર તે કજિયો કરાવનાર થાય, વારંવાર તે આપણી મદદ વિના ચાલી ન શકે તેવી લાગે, તો કાં તો બાળક તે માટે લાયક નથી અગર એ પ્રવૃત્તિ બાળકને માટે હમણાં ઉપયોગી નથી. એટલે તે બાજુએ મૂકી દેવી. એ પ્રવૃત્તિ સાચી ગણવી કે જે બાળકને રોકે, પ્રસન્ન રાખે, એકાગ્ર રાખે, બાળક તે કરતું કરતું હસે, ગાય ને બીજાને તેમાં ભેળવવા દોડે.

બાળક પોતાને ઉપકારક એવી પ્રવૃત્તિથી પણ ઘણી વાર થાકી જાય છે. જ્યારે તેઓ એક વાર અત્યંત ગમતી અને એકાગ્ર કરનારી પ્રવૃત્તિ સામે લડે છે, ને બરાબર નથી કરી શકતાં તેથી ખિજાય કે ચિડાય છે. જાતે કરી શકતાં હતાં ત્યાં પણ બા બાપાને બોલાવી કરાવવા માગે છે, ત્યાં સમજવું કે હવે બાળક પ્રવૃત્તિથી થાક્યું છે; હવે પ્રવૃત્તિ તેને સુખ અને આરામ નહિ આપે. એટલે તે તેની પાસેથી આઘાત ન લાગે તેવી રીતે છોડાવવી. જેઓને અનુભવ હશે તે કહેશે કે “હા, વાત સાવ સાચી છે. થાકેલ બાળકને હળવેથી લઈ સુવારી દઈએ છીએ કે તરત જ તે ઊંધી જાય છે.”