પૃષ્ઠ:Mabapone.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શિક્ષણસંસ્થાઓ એ મા સરસ્વતીનાં મહાલયો છે. ‘કલાપી એજ્યુકેશન ગ્રૂપ’ની 1994થી ચાલતી ધોરણ પાંચથી બારના કોચિંગ ક્લાસની પ્રવૃત્તિનાં આટલાં વર્ષોના અનુભવો દરમિયાન શિક્ષણ-સિંચન નિમિત્તે ગુજરાતી તેમ જ અંગ્રેજી એમ બંને માધ્યમોના લગભગ વીસેક હજાર વિદ્યાર્થીઓના સંપર્કમાં આવવાનું બન્યું હતું. એક વિચાર મનમાં સતત વલોવાયા કરતો હતો કે એવું શું થઈ શકે કે જેથી અત્યારના સમયની જરૂરિયાત પ્રમાણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાની ઇચ્છા રાખનાર આપણો વિદ્યાર્થી આપણી સંસ્કૃતિનાં મૂળિયાં પણ જાળવી રાખી શકે ?

આ મનોમંથનના પરિપાકરૂપે “કાંગારું કિડ્ઝ : ધ હોમ ઓફ મોના’ઝ મોન્ટેસરી પ્લે સ્કૂલ”ની યોજના થઈ, જે નિમિત્તે બેંગલોરની “કીડો એન્ટરપ્રાઈઝ” (જે ઘણા લાંબા સમયથી મોન્ટેસરી પદ્ધતિ માટેનાં સહાયક ઉપકરણોના ઉત્પાદનક્ષેત્રે કાર્યરત છે)ના શ્રી મણિકન્દનજી સાથે જોડાવાનું બન્યું. મૂળિયાં સાચવવાની મથામણ સાથે તેઓ પણ સંમત હતા. મોન્ટેસરી પદ્ધતિનું ‘બાઈબલ’ ગણાતું ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ જ્યારથી વાંચેલું ત્યારથી અમે એ વિદ્યાપુરૂષની વિચારસરણીથી અભિભૂત તો હતાં જ… એક કુમળા વિદ્યાર્થીને તેની તમામ કુદરતી ક્ષમતાઓ ઓળખી-ખીલવીને, સમાજના અંગભૂત એવા એક ગૌરવશાળી પરિપક્વ વ્યક્તિત્વ તરીકેના તેના સર્વાંગી ઘડતરમાં મદદરૂપ થઈ શકાય તે માટે શિક્ષકો ઉપરાંત વાલીઓનો સહકાર પણ એટલો જ જરૂરી હોવાનું સમજાયું, ને અંતે અમે નક્કી કર્યું કે પ્લે-સ્કૂલમાં પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓના હાથમાં ગિજુભાઈની ‘મા-બાપો’ને મૂકવી. તપાસ કરતાં જાણવા મળ્યું કે પુસ્તક તો અપ્રાપ્ય છે !

“મનુષ્ય-યત્ન અને ઈશ્વરકૃપા”ની જેમ આ વિચારને મૂર્ત કરવા માટેની વિનંતીનો ઉષ્માભર્યો પ્રતિસાદ આપતાં, કશી લાંબી-પહોળી ઔપચારિકતા વિના, બહુ ટૂંકા સમયગાળામાં પુસ્તક છાપી આપવાની ‘ધરપત’ આપવા બદલ શ્રી મનુભાઈ શાહનાં અમે હૃદયપૂર્વક, અત્યંત આભારી છીએ. મા સરસ્વતીના મહાલયમાં એક નાનકડી ઈંટ પણ મૂકી શકાય તો અમને અત્યંત આનંદ થશે.

મોના એમ. રાવલ,
મનીષ જે. રાવલ
અમદાવાદ