પૃષ્ઠ:Mabapone.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
માબાપોને
 


ઘણી વાર બે ચાર બાળકો એકઠાં થઈ પ્રવૃત્તિ ચલવે છે. આ વખતે ઘણી વાર તે સરસ ચાલે છે, તો ઘણી વાર મુશ્કેલી પડે છે. પ્રવૃત્તિ બરાબર ચાલતી નથી; એકેયને સંતોષ થતો નથી. કોઈ કોઈ વાર તો બાળકો લડી પણ પડે છે. આમાં જુદાં જુદાં કારણો પ્રવર્તે છે. આ બધાંની અહીં વિગતમાં ચર્ચા નથી થઈ શકતી. પણ આપણે કારણ જોઈ તેનો ઉપાય કરવો. સામાન્ય રીતે બાળકોને જાતે ગોઠવાઈ જવા દેવાં. ચાલે જ નહિ ત્યારે વચ્ચે પડી નિકાલ કરવો, અને તે કરવો ત્યારે ખૂબ ડહાપણથી અને સૌને-ઘણાંને સાચો લાગે તેવો સંતોષકારક કરવો.

ઘણી વાર બાળકો માંદાં હોય છે, અગર આપણે વઢ્યાં કર્યાં હોઈએ છીએ ત્યારે તેમના મનની સ્વસ્થતા નથી હોતી. આથી પ્રવૃત્તિ વ્યવસ્થિતપણે ચાલતી નથી. પ્રવૃત્તિ તેમને કાયર કરે છે ને તેઓ આપણને કાયર કરે છે. પરિણામે આપણને થાય છે કે પ્રવૃત્તિ જ નકામી છે. આપણી નજરે પ્રવૃત્તિની કેળવણી વિષયક કિંમત ઘણી વાર ચડતી ઊતરતી આવાં બહિર્‌ કારણોને લીધે થવા સંભવ છે. ત્યાં આપણે ચેતીએ, અને પ્રવૃત્તિની નિંદા કે વિરોધ ન કરતાં એકંદરે દોષ કયાં રહેલો છે તે શોધીએ.