પૃષ્ઠ:Mabapone.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
માબાપોને
 


અમે અયોગ્ય માનીએ છીએ; જોકે બીજાં બાળકોને નુકસાન ન થાય ત્યાં સુધી બગડેલાને સુધારવાનો અમારો પ્રયત્ન રહેશે. નહિ સુધરી શકે તેવાં બાળકોને રજા આપીએ તો એમ સમજી લેવાનું છે કે તેવાં બાળકોને કોઈ બીજી શાળાની જરૂર છે. બેશક, બગડેલા બાળકને અમે રજા આપીએ તેમાં અમારી શાળાનો પ્રશ્ન ઊકલે છે, પણ બાળકનો પ્રશ્ન ઉકલતો નથી. પરંતુ અમે તે માટે દિલગીર થઈએ. તેને માટે યોગ્ય શાળા કઈ હોઈ શકે એ બતાવીએ પણ તેનો વ્યવહારુ પ્રબંધ ન પણ કરી શકીએ. છતાં જે માબાપો દીન બની અમારામાં પૂરેપૂરી શ્રદ્ધા મૂકી પરિણામ વિષે બેફિકર રહી પોતાનાં બગડેલાં બાળકોને અહીં જ રાખવાનો આગ્રહ કરે અને રાખે, તેમનાં બાળકો સારાં થઈ જ જવાનાં છે એવી અમારી શ્રદ્ધા છે.

જે માબાપ પોતાના બાળકને ભણવા જેવડું થાય ત્યાં સુધી આરામ લેવા કે હવા ખાવા મોકલે છે તેના જેવું કોઈ અણસમજુ નથી. તેને કેળવણી એટલે શું એનો ખ્યાલ જ નથી. કેળવણી તો જન્મથી જ શરૂ થાય છે. જો બીજી શાળામાં જવા જેવડું કરવા માટે જ અહીં પોતાના બાળકને મોકલવું હોય તો હું તે માબાપને જણાવું છું કે તેમણે બાળકને ન જ મોકલવું. જે માબાપ પોતાના બાળકને અહીં મોકલે તેણે બીજી શાળાનો વિચાર પાપ રૂપ ગણવો ઘટે. જેને આજની પ્રાણઘાતક કેળવણીમાંથી પોતાનાં બાળકોને બચાવવાં હોય તે જ તેમને અહીં મોકલે. અહીં બાળકને મોકલી અહીંનું થોડા વખતનું સ્વરાજ અને સ્વાતંત્ર્યનું સુખ બતાવી તેને કેદખાનામાં પૂરવું હોય તો તે અહીંનું નામ જ ન લે. તેમને આ દિશા જોવાની જ ન હોય. બાળકને મોટું કરવા, અને મોટું ન થાય ત્યાં સુધી બીજી શાળામાં રમવા મોકલવાના વિચારમાં છળ અને