પૃષ્ઠ:Mabapone.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૫૭
 


પાપ છે. છળ અને પાપની છાયામાં જે બાળકો ભણવા આવે છે તે બાળકોને વિદ્યા ન મળે. તેઓ તો અવિદ્યા જ લઈ જાય. જેમનું દૃઢ માનવું હોય કે બીજી શાળાઓ ખરાબ છે માટે હરામ છે, તેઓ જ આ શાળામાં પોતાનાં બાળકોના પગ મુકાવે, જેમની બુદ્ધિ ચલિત હોય, જેમની મનોવૃત્તિ ડગમગતી હોય, તેઓને માટે પ્રચલિત શાળાઓ મુબારક છે. અમને કારી ઘા લાગેલા છે તેથી આવું કડવું લખવું પડે છે.

બાળક બાલમંદિરમાં દાખલ થાય છે કે તુરત જ અમે તેની સંભાળ લેવા માંડીએ છીએ. તેની ગંદી, ઢંગધડા વિનાની અને અસામાજિક ટેવોને સુધારવાનું કામ પ્રથમ હાથમાં લેવાય છે. સમય જતાં તેને પોતાનાં કપડાં અને જાત કેવાં ગંદાં અને બેહાલ છે તે સમજતાં, ઠીક ઠીક ચાલતાં, ઊઠતાં બેસતાં, ધીમેથી વાતો કરતાં, જાજમ પાથરતાં, વાળતાં, પીરસતાં, ગોઠવતાં, પોતાનાં કપડાં કે બૂટનાં બુતાન બીડતાં ને પાણી પીતાં વગેરે આવડે છે. બાલમંદિરમાં નવા દાખલ થનાર બાળકને અને દાખલ થઈ થોડો વખત રહેલ બાળકને સરખાવતાં બન્નેમાં કેટલો તફાવત છે તે નરી આંખે જોઈ શકાય છે. વળી નવું આવેલું બાળક વખત જતાં બાલમંદિરના વાતાવરણમાં રહી બીજાની સાથે ભાવથી હળતાંમળતાં, ભેગાં મળીને કામ કરતાં ને બીજાને અડચણ ન પડે તેમ પોતાનું કામ ચલાવતાં શીખે છે. એટલા વખતમાં તે અતડું મટી સામાજિક બને છે, બાઝાબાઝી કરતું હતું તેને બદલે પ્રેમ કરતું થાય છે; ઘોંઘાટ કે ધમાધમ કરતું હતું તેને ઠેકાણે કેટલેક અંશે શાંત ને સ્વસ્થ થાય છે; પોતાની જાતને જાણતું જ ન હતું તેને બદલે પોતાની જાતને ઓળખતું થાય છે; બીજા ઉપર આધાર રાખીને બેસનાર કે રડનાર હતું તેને બદલે જાતે કરી લેનાર અને આનંદી