પૃષ્ઠ:Mabapone.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૬૧
 


નહિ, તેમને બાલમંદિરમાં રજા પાડીએ તો અમારા ઉપર ગુસ્સે થવું પડે, ને તેમને બાલમંદિરમાંથી કાઢી મૂકવાનું કહીએ તો મોટામાં મોટી સખ્ત શિક્ષા થઈ લાગે ! આ જાદુ તેમને છૂટથી રહેવા દેવામાં થયેલું છે; આ જાદુ તેમને અમે શિક્ષા અને ભયમાંથી મુક્ત કરીને તેમાં છે; આ જાદુ અમે તેમને પોતાને જે કાંઈ શીખવું હોય કે નિર્દોષ એવું જે કરવું હોય તે કરવા દઈએ તેમાં રહેલું છે. અમે જાદુથી ભણાવતાં નથી તેમ જ ભણાવી શકીએ પણ નહિ. અહીંના સ્વતંત્ર અને પોષક વાતાવરણમાં બાળક પોતાની શક્તિના પ્રમાણમાં થોડું યા ઘણું શીખી લે છે. દરેક બાળક પોતાના ગજા પ્રમાણે બોજો ઉપાડે તો તેમાં તેનું ભલું થાય એમ અમે માનીએ છીએ. આથી કોઈ બાળક ઝટઝટ શીખી અમને આશ્ચર્યમાં નાખે છે તેમ જ હર્ષમાં નાખે છે, ત્યારે કોઈ બાળક અત્યંત ધીમે ચાલી બિલકુલ પાછળ રહી જઈ અમારી ચિંતાને વધારે છે. પરંતુ જો બાળકને લાંબો વખત રહેવા દેવામાં આવે તો દરેક બાળક શીખે ખરું જ. દરેક બાળક શીખે તો છે જ; પરંતુ કોઈ બાળક ધીમે ચાલે છે જ્યારે કોઈ બાળક ઝડપથી ચાલે છે. વળી કોઈ બાળક એક બાબતમાં આગળ વધે છે અને બીજી બાબતમાં પાછળ રહે છે. એક જ વાતાવરણમાં સૌ રહે છતાં તેમની કુદરતી શક્તિનો ભેદ અહીં રહે છે. તેમના ઘરનું સંસ્કારી વાતાવરણ પ્રત્યક્ષ થાય છે. તેમના ઘરના રીતરિવાજો મંદિરમાં છૂપાં રહેતાં નથી. મંદિરમાં પ્રત્યેક બાળકને એક જ લાકડીએ હાંકવાનું નથી. બાગનાં ઝાડની જેમ તેમને ચારે બાજુથી સરખાં કાપીકોરીને બધાંને એક જ ઢાળાનાં દેખાડવાનો અમારો આગ્રહ નથી; બધાંને બીબાના ઢાળામાં નાખી જડ બીબાં બનાવવાનો અમારો મત નથી. અમે તો તેમના બીજમાં જે છે તે સારી રીતે ફૂલેફાલે તેની સંભાળ રાખીએ;