પૃષ્ઠ:Mabapone.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૬૩
 


તેમને પણ એમ જ થાય કે જે બાબતમાં બાળક સ્વર્ગનું સુખ માને છે, જે વસ્તુને આખો દહાડો કરતાં બાળક થાકતું નથી, જે વસ્તુની ના પાડતાં તેની આંખ ભીની થઈ જાય છે, તે વસ્તુ તેની પાસેથી ન જ લઈ લેવી જોઈએ. ભલે બાળક બીજું કશું શીખે નહિ. અમે તો માનીએ છીએ કે જો બાળક એક જ બાબતમાં ઘણું શીખશે તો તે બીજી બાબતમાં પણ ભલે પાછળથી પણ શીખશે જ. કારણ કે એક વાર શીખવાની શક્તિ આવી હશે તો પછી તેને બીજી બાબત શીખવી અઘરી નહિ પડે.

અમારે ત્યાં આવેલાં કેટલાંક બાળકોના દાખલા આપીને મારો કહેવાનો અર્થ સમજાવીશ. એક છોકરીને ભૌમિતિક આકૃતિઓ કાઢવાનો શોખ અનહદ હતો. આવીને ન જાય સંગીતમાં કે ન વાંચે કે ન લખે કે ન રમે કે ન ભમે, પણ તરત જ હાથમાં ભૌમિતિક આકૃતિઓને લે ને ચિત્ર કાઢવા બેસે; ચિત્રો કાઢ્યા જ કરે. નવી નવી સુંદર સુંદર ભૌમિતિક આકૃતિઓની રચના ઊભી કરે એમાં જ એનો આનંદ. એને વાંચતાં લખતાં આવડે છે, પણ જો લખે તો ચિત્રમાં ખલેલ પડે. એનાં માબાપને લાગ્યું કે “આ છોકરી તો એકે ચોપડીમાં પડતી નથી. કંઈ ભણતી જ નથી !” તેને ઉઠાડી લીધી. એ દિવસે એનાં માબાપે એની સરસ ડિઝાઈનનું ખૂન કર્યું. એને ચાર ચોપડી ભણાવી લખતાં વાચતાં શીખવી થોડા સરવાળા, બાદબાકી, ભાગાકાર, ત્રિરાશિ કે આણપાણના ભાગાકાર વગેરે દાખલા શીખવી એનાં માબાપ એને કઈ શક્તિ આપશે ? એનો આત્મા તો ભૌમિતિક ચિત્રોમાં ખેલતો હતો; એમાં એ જીવન જગત બધું વીસરી જતી હતી. રસ્તામાં મળે છે ત્યારે તે છોકરી શરમથી પોતાનું મોં સંતાડે છે. એક વાર તે બાલમંદિરમાં આવીને પોતાનું આગલું સુખ જોઈ રડી પડી હતી.