પૃષ્ઠ:Mabapone.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
માબાપોને
 


એક છોકરાની વાત. આ છોકરાના બાપાની સારી શ્રદ્ધા હશે. તે કહેતા કે “બાર વરસનો થાય પણ મારે તેને અહીંથી ઉઠાડવો નથી; ભણે કે ન ભણે.” અમારે ત્યાં તો સ્વતંત્રતા હતી. છોકરાનો સ્વભાવ કાંઈ ઓર જ હતો: ભલમનસાઈ અને બાલભાવથી ભરપૂર છેક સાફ દિલનો અને આરપાર હૃદયવાળો. એને બહાર ફરવું હરવું અને રમવું ખૂબ ગમે; મિત્રો વિના ચાલે નહિ. બહાર ઘોલકી કરવી, બાગ બનાવવો, શણગાર લાવવો, રામાયણની વાતો સાંભળવી અને આનંદમાં ફરવું એ એના પ્રિય વ્યવસાયો. પ્રયોગ ખાતર અમે એને મંદિરમાં રાખવાના પ્રયત્નો કર્યા. ગમે તે બહાને બહાર જવાનું શોધે. અમારા દબાણને લીધે જૂઠું પેશાબનું બહાનું કરે; અમે સાથે જઈએ ત્યારે પેશાબ કરવાનું હોય જ શાનું ? પછી પાણી માગે; પાણી તેને લાવી આપવામાં આવે. પછી દિશા જવાનું કહે; અમે સાથે જઈએ એટલે એવો ને એવો પાછો આવે. પછી અમે હસીને તેને જ્યાં જવું હોય ત્યાં જવાની રજા આપીએ. છતાં બહારથી ફરતાં ફરતાં આવે અને કોઈ વાર ખૂબ કામ કરી નાખે. ચિત્રો અને અક્ષરો શીખે, પણ જ્યાં વાર્તાનું નામ આવે અને લોકગીતનું આવે ત્યાં તો તે તૈયાર જ. એ એના સ્વભાવની સુંદરતા કેળવતો હતો અને અમે તેનો સ્વભાવ કેળવવામાં મદદ કરતા હતા. પણ આખરે એના પિતાની ધીરજ ન રહી ને તેને ઉપાડી ગયા. અમે તો એક આનંદી હેતાળ અને પ્રેમી બાળક ખોયું. અમે એની ફરિયાદ કોને કરીએ ? આજના ભણતરનો મોહ કાંઈ ઓછો છે ? પણ એણે અમારા હૃદયમાં આગ સળગાવી છે. ભણતરના મોહને તે આગ એક દિવસ બાળે તો જ સાચી.

વળી એક બીજી છોકરીની વાત. છોકરી ઘણી જ હોશિયાર.