પૃષ્ઠ:Mabapone.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૬૭
 


આવી રીતે વચ્ચેથી ઉઠાડી લેવામાં માબાપો બાલમંદિરનું અને પોતાનાં બાળકોનું જે ખૂન કરે છે તે માટે એક વાર જવાબ દેવો જ પડશે. અમારી આ દાઝ બાલમંદિર માટે નથી પણ બાળકો માટે છે. કયા હક્કથી માબાપો બાળકો ઉપર આવો અત્યાચાર કરે છે તે કોઈ એમને પૂછશે ? પણ ધન્ય છે એ માબાપોને કે જેમની શ્રદ્ધા હજી અચલ રહી છે. બાલમંદિરમાં ખરેખર એ માબાપોનાં છોકરાં ગમે ત્યારે જોઈ શકાય છે. કોઈ બાળક સુંદર ચિત્રકારની પક્કી આગાહી કરાવે છે ત્યારે કોઈનામાં સંગીતના ગુણો પ્રગટ થાય છે; કોઈ બાળક સાહિત્યરસિક થશે એમ તેની પ્રવૃત્તિ ઉપરથી કહ્યા વિના રહેવાનું નથી, જ્યારે કોઈ બાળકો ગણિતનાં ખાં પણ નીકળે એવી આશાનો ઉદય થાય છે. દરેક બાળક કોઈ ને કોઈ બાબતમાં પોતાની સુંદરતા અને વિશેષતા બતાવી રહ્યું છે. કોઈ આગળ છે, કોઈ પાછળ છે; કોઈને એક વસ્તુ વધારે આવડે છે તો બીજી વસ્તુ ઓછી આવડે છે. પણ સૌનો શરીરવિકાસ અને મનોવિકાસ અખ્ખલિત વહ્યો જાય છે.

છોકરીઓ અમુક બાબતમાં લાયક થઈ શકે અને છોકરાઓ અમુક બાબતમાં જ લાયક થઈ શકે એવો વિચાર અમે અમાન્ય ગણીએ છીએ. અમુક વિષયમાં છોકરાઓએ જ તૈયાર થવું અને અમુક વિષયો છોકરીઓને આવડવા જ જોઈએ એ જુલમની વાત છે. અમારે મન તો એક જ વાત છે. છોકરી લડાઈમાં બહાદુર નીકળે અને છોકરો રસોડામાં પ્રવીણતા બતાવે તો અમે તેમાં આડે ન આવીએ. એ વહેમ દૂર થવાની જરૂર છે કે બાલમંદિરમાં છોકરાને લાયકનું શિક્ષણ છે તેના કરતાં છોકરીઓને લાયકનું વધારે છે. શું સંગીત અને ચિત્રકલા સાથે છોકરાઓને દુશ્મનાવટ હોઈ શકે ? શું એ વિષયો મનુષ્ય જીવનની ઉત્તમતા, સુંદરતા