પૃષ્ઠ:Mabapone.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
માબાપોને
 


બાળકને ભય બતાવી ડરાવી શકીએ છીએ; કાલે તેને શિક્ષક ડરાવી શકે છે, ને વરસ દહાડે તેને પોલીસ ડરાવી શકે છે. તમે તમારા બાળકને ગમે તે રીતે ભયમાંથી બચાવો.

આપ શિક્ષા કરીને બાળકને બાયલું અને ખોટાબોલું બનાવશો; પણ લાલચ આપીને, ફોસલાવીને તો તેને નાલાયક બનાવી મૂકશો ! જે બાળક પૈસા લઈ નિશાળે જાય તે બાળક ન્યાયાધીશને લાંચ આપીને મોટો ફેંસલો કરાવશે, ને તે જ બાળક જમીન કે સત્તા લેવા ખૂન પણ કરશે કે કરાવશે ! જે બાળકને ખાવાનું આપી કામે લગાડી શકીએ તે જ બાળકને લૂગડાંલત્તાં, હીરા, માણેક અને જવાહર આપી વ્યભિચારમાં પણ લઈ જઈ શકીએ. નિર્ભયતાનું અને મોહજિતપણાનું શિક્ષણ જ સાચું શિક્ષણ છે. ભય અને લાલચ પાડનારી વસ્તુ છે; ભયથી નરક મળે છે અને લાલચથી સ્વર્ગ આવે છે, પણ બંને ઠેકાણેથી માણસને પડવું પડે છે. ભય અને લાલચથી રહિત પ્રદેશ તો અધ્ધર પદવીનો છે; તે સ્વર્ગ અને નરકથી પર છે.

હવે ત્રીજી વાત એ છે કે આપે આપના બાળકમાં સ્પર્ધાનું વિષ રેડવું નહિ. બે બાળકો વચ્ચે વાદ કરાવી–સ્પર્ધા કરાવી કામ કરવાની રીત હલકી છે. આપણે રોજ કહીએ છીએ કે “ચાલો જોઈએ, પહેલું કોણ દોડે છે ? પહેલી બચી કોણ લે છે ? પહેલું પાણી કોણ લાવે છે ?” આમાં આપણું કામ તો થાય છે, પણ બાળક બગડે છે. જ્યારે જ્યારે તેને સ્પર્ધા કરવાનું ન મળે ત્યારે ત્યારે તે આળસુ અને મંદ બની જાય છે; અને જ્યારે જ્યારે સ્પર્ધા કરવાનું મળે છે ત્યારે ત્યારે બીજાને હરાવીને, મારીને, બીજાની કબર ઉપર ચાલીને પોતાનો વિજય કરવા મથે છે. સ્પર્ધા એક જાતનો કેફ છે. જ્યાં સુધી કેફની અસર રહે છે ત્યાં સુધી જેમ