પૃષ્ઠ:Mabapone.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
માબાપોને
 


આપના બાળકના ધાર્મિક શિક્ષણ માટે બધું કર્યું છે. પણ આપ દંભી હશો અને આપના બાળકને ધાર્મિક બનાવવા ચાહતા હશો તો જરૂર તે પણ આપના જેવું જ દાંભિક ધર્મી થશે.

આપને એક બે વાતો બીજી પણ કહેવાની છે. આપણે આપણાં બાળકોને સમજતાં નથી તેથી આપણે તેનાથી કંટાળીએ છીએ અને તેઓ આપણાથી કંટાળે છે. તેમની વિશેની આપણી ઉપલક સમજણથી આપણે તેમનું વારંવાર અપમાન કરીએ છીએ, અને વારંવાર આપણે તેમને અત્યંત દુઃખી કરીએ છીએ. બાળક સંપૂર્ણ મનુષ્ય પ્રાણી છે. તેને બુદ્ધિ છે, લાગણી છે, ભાવ છે, અભાવ છે, એને પોતાની જિંદગી છે. આપણે આવા બાળક મનુષ્યને પૂર્ણપણે સન્માન આપવું ઘટે છે. ઘડીએ ને પહોરે આપણે તેને તુચ્છકારીએ છીએ, હડસેલીએ છીએ, નાની નાની બાબતોમાં તેને પાછું પાડીને ઉતારી પાડીએ છીએ ને તેની નજીવી અપૂર્ણતા માટે તેને ઝાંખું પાડીએ છીએ; એ બધું તેને અત્યંત દુઃખકારક છે, અપમાનકારક છે. વળી આપણે તેની દુનિયા જાણતાં નથી એટલે આપણો જ કક્કો ઘૂંટવાનો આગ્રહ કરીએ છીએ. આપણા વિચાર તે તેના વિચાર, આપણી ઇચ્છા તે તેની ઈચ્છા, આપણને ગમે તે તેને ગમે, આપણા ભાવાભાવ તે તેના ભાવાભાવ, આપણો ધર્મ તે તેનો ધર્મ – એમ માની બેસીએ છીએ. બાળક ઉપર આપણે આપણી એ માન્યતા લાદીએ છીએ. આમાં આપણે ગંભીર ભૂલ કરીએ છીએ.

બાળકોના ભાવ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે ઘણી વાર તે જણાવવા મુશ્કેલ પડે છે. તે એવી બાબતો પર કજિયો કરતાં હોય છે કે આપણે તે સમજી શકતા નથી, અથવા સમજવા જેટલો પ્રયત્ન પણ કરતાં નથી. આપણે તેને કજિયાળું કહીને કાઢી