પૃષ્ઠ:Mabapone.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૭૩
 


મૂકીએ છીએ કે લગાવીએ છીએ, ત્યારે જરૂર આપણે તેના હૃદયને તોડી પાડીએ છીએ. આપણને સૌને અનુભવ છે કે બાળક કોઈ વાર એવી ચીજ માગે છે કે જે આપણે નથી સમજતાં. બાળક નિશાન કરે છે, પણ આપણે ઊલટાં ચિડાઈએ છીએ. બાળક કાલુંઘેલું બોલીને સમજાવવા માગે છે, પણ આપણી ચીડ વધતી જાય છે. બાળક જાતજાતના ચાળા કરી પોતાનું અંતર પ્રગટ કરવા માગે છે, ત્યારે આપણે તેના સામુંયે જોતાં નથી અથવા તેને હસી કાઢીએ છીએ. નિરાશ થતું બાળક કજિયે ચડે છે ને આખરે વધારે માર ખાઈ ઊંઘી જાય છે. આખરે જ્યારે પોતાની વસ્તુ એકાએક તેને હાથ લાગી જાય છે ત્યારે તેના હર્ષનો પાર રહેતો નથી ને આખું ઘર આનંદથી ભરી દે છે. તે આપણને કાલી બોલી બોલીને કે નિશાની કરીને કહે છે કે “મારે તો આ જોઈતું હતું.” એની કીમતી ચીજમાં હોય છે તો કાચનો કટકો કે એકાદ ફૂટલી કોડી ! આપણે પાછળથી પસ્તાઈએ છીએ કે અરે આટલી વાત પણ ન સમજ્યાં અને બાળકને બે કલાક રડાવ્યું ? પણ આવું રોજ બને છે. આપણે એક વાત સમજીએ છીએ ત્યારે બાળક બીજી વાત સમજે છે; ને બાળક કંઈક માગે ત્યારે આપણે કંઈક આપીએ છીએ. આપણે બાળકના મનોભાવોનો પ્રદેશ જાણવા માટે જરૂર પ્રયત્ન કરવો ઘટે છે. એક વાર આપણે એની દૃષ્ટિથી જોવા માંડશે એટલે આપણી અને બાળક વચ્ચેની ગેરસમજણ દૂર થશે અને ઉભયને સુખ થશે.

એક બીજી શિખામણ આપવા ચાહું છું. આપ આપના બાળકને તોફાની કે હઠીલું ન ગણતાં. આપે એમ જ માનવું કે બાળક તોફાની હોય જ નહિ; હઠીલું તો એને આપણે જ બનાવીએ છીએ. આપણે આપણા અનુભવો ઉપર નજર નાખશું તો માલૂમ