પૃષ્ઠ:Mabapone.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
માબાપોને
 


પડશે કે મોટે ભાગે બાળકોને તોફાની અને હઠીલાં આપણે જ બનાવીએ છીએ. બાળક જ્યારે આપણું ધાર્યું નથી કરતું ત્યારે આપણે તેને તોફાની કહીએ છીએ; બાળક જ્યારે આપણે ત્યાં આવેલ મહેમાનને માટે પાણી લાવતું નથી ત્યારે આપણે તેને તોફાનીનો ઇલકાબ આપી દઈએ છીએ; બાળક જ્યારે ઘરનો સામાન ભાંગે છે, ફોડે છે, બીજાને કનડે છે કે રખડવા ઊપડે છે ત્યારે તેને તોફાનીનું ઉપનામ મળે છે. આવી જ રીતે બાળક, પોતાનું મનધાર્યું કરે છે ને લીધી વાત મૂકતું નથી ત્યારે આપણે તેને હઠીલું કહીએ છીએ. ખરી રીતે આ બન્ને બાબતો ગુણો છે અને અમુક ઉંમરે તે બાળકમાં ન હોય તો તેનો વિકાસ થાય નહિ. પરંતુ આપણે તેને દોષ રૂપે ઓળખ્યા છે એ જ દુઃખની વાત છે. સત્તાની સખતાઈ બાળકને પસંદ નથી. કોને માન આપવું અને કોને માન ન આપવું તે બાળકને તરત જ સમજાઈ જાય છે. તેથી જ તે આપણી અયોગ્ય સત્તાની સામે જઈને કે મહેમાનની પરવા કર્યા સિવાય આપણું કહ્યું કરતું નથી. બાળક જ્યારે ભાંગફોડ કરે છે ત્યારે તે તોફાન નથી કરતું પણ પોતાની ક્રિયાપ્રધાન વૃત્તિને સંતોષવા માગે છે; તે તેનો વિકાસ શોધવા ચાહે છે. રખડવા માગતું બાળક આપણા ઘરને કાં તો પસંદ નથી કરતું અથવા તે પોતાની શારીરિક કસરતની જરૂરિયાતોને તૃપ્ત કરવા દોડે છે. નહિ બગડેલા બાળક વિષે આમ માની જ શકાય. પોતાનું ધાર્યું કરનાર બાળક કંઈ જ ખોટું નથી કરતું. તે જો કોઈને નુકસાન ન કરતું હોય, પાપી કૃત્ય ન કરતું હોય, પોતાની જાતને અસાધારણ જોખમમાં ન નાખતું હોય, તો ભલે તે પોતાને ગમે તે કરે; આપણે તેની વચ્ચે શા માટે પડીએ ? પોતાનું ધાર્યું એને ન કરવા દઈએ પણ એની પાસે આપણું ધાર્યું કરાવીએ તો તે અયોગ્ય છે.