પૃષ્ઠ:Mabapone.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૭૫
 


બાળકો પોતાનું ધાર્યું પોતાની મેળે કરે અને આપણી પાસે કરાવે તેમાં ફેર છે. આપણે એનું ધાર્યું ક્યાં કરવું અને ક્યાં ન કરવું એનો વિચાર જરૂર કરતા જવાનો છે. આપણે એના ગુલામ નથી બનવું, તેમ આપણે તેના વિકાસના વિઘાતક પણ નથી થવું. આ પ્રશ્ન વિવેકનો છે, અને તે પ્રત્યેક માબાપની વિવેકબુદ્ધિ ઉપર જ છોડી દેવો જોઈએ. બાળકને તમે સ્વતંત્ર બનાવો જ. તમે તેને બદલે આડે પડીને કામ કરી ન આપો. તમારે તેના ઉપરનું હેત તેને અપંગ બનાવવા માટે નથી. તે પોતાની મેળે જે કરવા માગે તે તેને કરવા જ દ્યો. એટલું જ નહિ પણ તે પોતે જે કરી શકે તે બધું તે કરવા માંડે અને તમારી પાસે કરાવતું મટી જાય તેની વહેલી તકે ગોઠવણ કરો. બાળકે પોતાના જીવનની બાબતમાં આપણા ઉપર જરાયે આધાર ન રાખવો જોઈએ. આપણે તેની આયા બની તેની સ્વાધીનતા ખૂંચવી ન લઈએ. વળી સ્વતંત્રતાનો અર્થ બરાબર ધ્યાનમાં રાખવો જરૂરનો છે. સ્વતંત્રતા એટલે નિરંકુશતા એમ ન સમજવું. જો બાળક તમને મારે તો તેને એમ કરવા દેવામાં મોન્ટેસોરી પદ્ધતિની સ્વતંત્રતા અપાય છે એવું ભૂલેચૂકે પણ ન માનતાં ! બાળક ગારાવાળા જોડા પહેરીને ગાલીચા ઉપર ચાલવાની સ્વતંત્રતા ભોગવી ન જ શકે; કોઈને બચકાં ભરવાની છૂટ મોન્ટેસોરી પદ્ધતિમાં કોઈ બાળકને મળે જ નહિ; તેમ કોઈ બાળક ચોરી કરવા કે ગાળ દેવા પણ સ્વતંત્ર ના જ હોઈ શકે. આવાં બાળકો તો નીચી વૃત્તિનાં ગણાય છે. આવી વૃત્તિને અથવા તેની પાછળ રહેલાં બળોને આપણે ઊંચે ચડાવીએ પણ તેને અભિનંદીએ તો નહિ જ. સ્વતંત્રતાની બાબતમાં આપ વારંવાર વિચાર કરીને અમને પૂછતાં રહેશો તો યોગ્ય ખુલાસો આપવા પ્રયત્ન કરીશું.