પૃષ્ઠ:Mabapone.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
માબાપોને
 


આપને એક યુક્તિ આપું. બાળક સાથે કામ પાડવામાં આપે એક વાત પકડી રાખવી. એ વાત એ છે કે સો ‘હા’ સારી પણ એક ‘ના’ નહિ સારી. આજે તો આપણે ‘એક નન્નો સો અવગુણ હરે.’ એ કહેવતને અનુસરીને ચાલીએ છીએ. બાળક પોતે જે કંઈ પોતાની જાતે જ કરવાનું માગે તેમાં ‘હા’ જ પાડવી. આપણે વિના કારણે કેટલીએક નિર્દોષ બાબતોમાં બાળકને ના પાડીને તેને દુઃખી કરી મેલીએ છીએ. ‘હા’ પાડશું તો બાળક તેને જે કહ્યું ન હતું તે કરી બેસશે એવો ભય ન જ રાખવો. તેને ‘હા’ પાડો અને કામ કેમ થાય તે બતાવો એટલે બાળક બધી બાબત મોટા માણસ પેઠે કરશે. અત્યંત વિચાર કરીને ‘નકાર’ ભણો. જે કરવા ન દેવું હોય તેમાં જ ના પાડો. પાછળથી કરવા દેવું પડે તેમાં પહેલાં ના પાડીને પછી હા ન પાડો. હા પાડીને ના પાડવામાં જે નુકસાન છે તેના કરતાંયે ના પાડીને હા પાડવામાં છે. બાળક ત્યારથી શીખે છે કે ‘ના’ ની ‘હા’ થઈ શકે છે, માત્ર તેણે કજિયો કરવાનો છે. બાળકને આપણે ત્યારે જ ‘ના’ પાડીએ કે જ્યારે એને પોતાને સમાજને કે નીતિશાસ્ત્રને ઈજા થવાનો ભય કે સંભવ હોય. આપણે બાળકમાં બહુ અવિશ્વાસ રાખીએ છીએ. બાળકને હાથે કંઈ ફૂટી જશે, તે આમ કરી શકશે નહિ, તેને આમ કરતાં લાગી જશે, તેને ફલાણું તો આવડે જ નહિ – એવું માનીને આપણે તેને કંઈ કામ સોંપતાં ભય રાખીએ છીએ; અને સોંપવું પડે છે તો ખૂબ આનાકાની પછી અથવા અવિશ્વાસના ઉદ્‌ગારો સાથે. આથી બાળકમાં અશ્રદ્ધા પેદા થાય છે. તે પોતાની શક્તિને ગુમાવી બેસે છે ને આગળ જતાં નાલાયક બને છે. બે બાળકોમાં એકને વખાણીને અને એકને નિંદીને આપણે એકમાં અતિશ્રદ્ધા