પૃષ્ઠ:Mabapone.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૮૧
 

 હોય, ગોળા પણ મોટા હોય. આપણે તો એ રાક્ષસોના પગના ગોઠણ સુધી પણ પહોંચી શકીએ નહિ. એવા સંજોગોમાં સપડાઈ ગયા, અને વળી આપણને તેઓ ત્યાં ને ત્યાં પૂરી રાખે તેમ જ એવા ઘરમાં રહેવાની ફરજ પાડે તો આપણને કેવું લાગે ? ત્યાંના મોટા દાદરાનાં લાંબાં પગથિયાં હોય; તે ઉપર તેઓ તો ધમધમ ચડે અને ઊતરે પણ આપણે એ લાંબા ગાળાવાળાં પગથિયાં ઉપર ચડીને જઈ શકીએ જ નહિ; ત્યાંની થાળીઓ એવડી મોટી હોય કે આપણે આખા ને આખા સમાઈ જઈએ; પાણિયારું એવું ઊંચું હોય કે આપણે ત્યાં પાણીને પહોંચી જ ન શકીએ. એટલે આપણે આપણું મનધાર્યું કશું કરી જ શકીએ નહિ.

આવું સ્વપ્ન આપણાં બાળકોને આપણા ઘરમાં હંમેશાં આવે છે, પણ આપણે તે તરફ ધ્યાન જ જતું નથી. આપણાં ઘરોમાં બાળક માટે બધું એવું જ છે. ખીંટીઓ બહુ ઊંચે હોય છે; પાણિયારાં ઊંચાં ને મોટાં હોય છે એટલે બાળક ત્યાં પહોંચી શકતું નથી; કબાટ મોટાં હોય છે એટલે બાળક તેનો ઉપયોગ કરી શકતું નથી. અને બધી વ્યવસ્થા અને સરસામાન એવાં હોય છે કે બાળકને તો વિચાર થઈ પડે કે આ તે માણસનો લોક છે કે રાક્ષસનો મુલક છે !

આવા સ્થળમાં બાળકને હંમેશાં પોતાને સારુ કાંઈ ને કાંઈ માગવું પડે છે. તે પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું નથી. પાણી પીવું હોય ત્યારે પાણિયારાં ઊંચાં હોવાથી તેને પાણી માગવું પડે છે; ખાટલા મોટા હોવાથી તેને સૂવું હોય ત્યારે પાથરી દેવાનું કહેવું પડે છે; પાટલા મોટા હોવાથી તે પણ મેળે ઉપાડીને માંડી શકતું નથી; દાદરા મોટા હોવાથી મનમાં આવે ત્યારે ચડી શકતું નથી. ઘરમાં વસાવેલાં બધાં સાધનો બાળકને કશા કામના નથી; ત્યાં તેણે કરવું શું ?