પૃષ્ઠ:Mabapone.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૮૫
 

 માતાઓ હજી સુધી નવરાવે છે, વાળ ઓળે છે. કપડાં પહેરાવે છે અને બધું કરી આપે છે. એમ કરવા કરતાં તેઓ પોતાની મેળે પોતાનું બધું કામ કરતાં થાય એમ થવું જોઈએ.

અહીં બાલમંદિરમાં એક કૂંડી ભરીને તૈયાર રખાય છે; તેમાં બાળકો પોતાની મેળે હાથ મોઢું ધોઈને પોતાની મેળે જ સાફસૂફ થાય છે. એટલે મને અનુભવથી જણાય છે કે જો ઘર આગળ પણ તેમને પોતાની મેળે પોતાનું કામ કરવા દેવાની સગવડ ૨ખાય તો ધીમે ધીમે તેઓ નાહવાનું, હાથ, પગ, મોઢું વગેરે સાફ કરવાનું, લૂગડાં પહેરવાનું, વગેરે તમામ કામ પોતાની મેળે કરતાં શીખી જશે અને તેમને માટેની બધી ખટપટ દૂર થશે તથા માવતરોની માથાકૂટ મટી જશે.

હું ઘરસંસારી છું અને મને પણ અનુભવ છે કે બાળકો જે તે માગ્યા કરે છે, કવરાવ્યા કરે છે અને માથાકૂટ કરાવ્યા કરે છે. પણ જો તેમને તેમની મેળે કામ કરવાનો રસ્તો કરી આપવામાં આવે, અને તેમને આડી આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે, તો તેઓ જરૂર પોતાનું કામ પોતાની મેળે કરતાં શીખશે. પણ આપણે તેમને પરાધીન ગુલામ જેવાં કરી દઈએ છીએ તે ખોટું છે. તેમને તેમનું બધું કામ જાતે જ કરવા દ્યો.

હાથ-પગ નાના હોવાથી અને શક્તિ ઓછી હોવાથી તેઓ બધું કામ કાંઈ ઝપાટાબંધ અને જેવું જોઈએ તેવું બરાબર કરશે નહિ; તોપણ તેઓ જે પોતાને માટે કરે છે તેથી તેમને સંતોષ થાય છે; ને તે જોઈને આપણે સંતોષ પામવો જોઈએ. અહીં બાલમંદિરમાં હું જોઉં છું કે તેઓ પોતાને ફાવે તેવું કામ પોતાની મેળે ખરા દિલના રંગથી કરે છે. તેમ જ તેમને ઘરમાં પણ જે કરવાનું મન થાય, અને જેમાં ગંભીર જોખમ ન હોય, તે કરવા દેવા માટે મારી ખાસ ભલામણ છે.