પૃષ્ઠ:Mabapone.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
માબાપોને
 

શકતાં નથી; કાંઈ ચીજ કે રમકડું પણ લઈ શકતાં નથી; અને પડીને ખોવાઈ જવાની બીકથી તેમને રૂમાલ તો હાથમાં ને હાથમાં રાખી મૂકવો પડે છે, અને તેમના હાથ આમ બંધાઈ રહે છે. આ બધું ફરાકનું પાપ છે. માટે આગળ કે પડખે ખીસું હોય એવું ઝબલું કે પહેરણ પહેરાવવું.

બીજું આપણામાં છોકરીઓ માટે સામાન્ય રીતે ઘાઘરીનો વેશ છે; પણ તેથી નાનાં છોકરાં સફાઈથી કે છૂટથી અને સગવડથી હાલી ચાલી શકતાં નથી. વળી ઓછામાં પૂરું હવે તો ઘાઘરીઓને ઢસરડાતી ઝાલરો કરાવાય છે, તેથી છોકરીઓને હરતાં ફરતાં તે પગમાં અટવાય છે અને તેઓ પડી જાય છે. પાણી લેવા જાય ત્યાં ઝૂલતી ઝાલરોવાળી ઘાઘરી પલળે છે, અને જ્યારે ત્યારે હરફર કરવામાં તે આડી આવીને વિઘ્નરૂપ થાય છે, અને એવી ઘાઘરીઓને લીધે છોકરીઓ છોકરાઓ જેટલી છૂટથી હરીફરી શકતી નથી. આપણે છોકરા અને છોકરીઓ બન્નેને સરખાં ગણવાં જોઈએ; તેમને બન્નેને સરખી છૂટ અને સરખી સગવડ હોવી જોઈએ. માટે છોકરીઓ દસ વર્ષની થાય ત્યાં સુધી તેમને પણ ચોરણી કે ચડ્ડી પહેરાવીએ તો જરાયે ખોટું નથી. એવી ચડ્ડી પહેરવાથી તેઓ છૂટથી હરીફરી શકશે.

વળી દાક્તર લોકોનો મત છે કે લૂગડાં તસોતસ પહેરાવવાથી બાળકનું શરીર વધી શકતું નથી, માટે તેમને જેમ બને તેમ ઢીલાં પડતાં કપડાં પહેરાવવાં, અને ઢસરડાય તેવાં નહિ પણ ટૂંકા પહેરાવવાં જોઈએ. છોકરીઓ ઢસરડાતી ઘાઘરીથી લાંબું પગલું ભરવા જાય તો જરૂર પડી જાય છે એવું અમે અનેક વાર જોયું છે. માટે તેમને ચડ્ડી કે ટૂંકી ચોરણીનો વેશ હવેથી રાખશો.

બાળકને માથા ઉપર ટોપી, બોશલો કે ચૂંદડી પણ