પૃષ્ઠ:Mabapone.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૯૧
 

પહેરાવવાની જરૂર નથી. તે તદ્દન નકામો ભાર છે. માટે ડાહ્યા લોકોએ તે છેક કાઢી નાખવું જોઈએ. વળી તેમને બૂટ કે મોજાં જોઈએ જ નહિ. ધારો કે આપણે એક ઝાડ વાવ્યું છે. તેનો નાનો છોડ જમીનમાંથી ઊગી નીકળ્યો અને તરત આપણે તેની આજુબાજુ અને માથે પાટિયાની મજબૂત વાડ જડી દઈએ તો પછી તે ઝાડ બિલકુલ વધી શકે જ નહિ. તેમ જ બાળકના પગ જોડાથી જોઈએ તેવા વધી શકતા નથી. ઊલટું જોડા પહેરવાથી તે એવા તો નાજુક ને નબળા બને છે કે બાળક છૂટથી હાલી ચાલી શકતું નથી; તેને કાંટા અને કાંકરા વાગવાની દહેશત કાયમ રહે છે. પગ તો આપણા શરીર આખાને ઉપાડનાર છે. શરીરને સાચવવાનું, શરીરની સેવા કરવાનું, શરીરનો ભાર ઉપાડવાનું કામ પગનું છે. તેને બદલે પગ ને જોડાથી મુલાયમ અને નાજુક બનાવી દેવાથી પગની સંભાળ વારંવાર શરીરે રાખવી પડે છે. રખેને કાંટો વાગી જશે, કદાચ દાઝી જશે, કદાચ ઠેસ વાગશે, એવી દરેક વખતે ચિંતા રાખીને જ ચાલવું અને સાચવવું પડે છે. માટે બાળકોને જોડાની ટેવ ન જોઈએ.

તમને અનુભવથી જણાયું હશે કે બાળકોને લૂગડાં પહેરવાનું જ ગમતું નથી. તેઓ લૂગડાંથી કાયર થાય છે અને પહેરતાં કંટાળે છે. તેનું કારણ એ છે કે પરમેશ્વરે જ તેમને લૂગડાં પહેરવાની જરૂર માની નથી. જ્યાં સુધી બાળક પ્રભુની નજીક હોય એટલે દુનિયાદારીની તેને ખબર ન હોય, ત્યાં સુધી તેને નાગું રહેવું, હવા લેવી, તડકો ખમવો, એવું જ ગમે છે. બાલશરીરનો ધર્મ જ એવો છે કે તેણે પરમેશ્વરની કુદરતનાં તત્ત્વોનો ખુલ્લે ડિલે છૂટથી ઉપભોગ લેવો. એ શરીરને લૂગડાંથી મઢી દઈએ અને જોડાથી ઢાંકી દઈએ તો તે વધી શકે જ નહિ. માટે છ સાત વરસ સુધી તેમને બહુ લૂગડાં પહેરાવવાની જરૂર નથી.