પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવતા હતા. વાડજ આગળ કૂતરાંએ પીંખી નાખેલી એક વાંદરી મરણતોલ દશામાં પડી હતી. મહાદેવભાઈ એને ગાડીમાં નાખી આશ્રમમાં લઈ આવ્યા. વાંદરીના સદ્‌ભાગ્યે છગનલાલભાઈ ગાંધીવાળું મકાન ખાલી હતું. તેમાં એ વાંદરીને રાખી, એના બધા ઘા ધોયા તો માલૂમ પડ્યું કે એના કપાળમાં કૂતરાંના દાંત બેસવાથી લગભગ પોણો ઇંચ ઊંડો ઘા પડેલો હતો અને પગે કૂતરાં એટલાં કરડેલાં હતાં કે તેનાથી હલાયચલાય એમ નહોતું. તેના ઘા ઉપર માટીના પાટા બાંધવા માંડ્યા અને એને ખાવાનું મળ્યું એટલે થોડા દિવસમાં એ ઓરડામાં હરતી ફરતી થઈ ગઈ. એક દિવસ કોઈએ બારણું ઉઘાડું રાખ્યું એટલે ઝટ બહાર નીકળીને પાસેના ઝાડ પર ચઢી ગઈ. દુર્ગાબહેનને થયું કે વળી કોઈ કૂતરાના સપાટામાં આવી જશે એટલે તેની પાછળ પાછળ ગયાં પણ વાંદરી શેની હાથમાં આવે ? એ તો ઝાડ ઉપર કૂદતી કૂદતી વાડજ સુધી પહોંચી અને દુર્ગાબહેન થાકીને એને ભગવાનને ભરોસે છોડીને પાછાં આવ્યાં.

દુર્ગાબહેનના સ્વભાવમાં દયાવૃત્તિ સહજ જ છે. એક વખત એક કૂતરી મરવા જેવી સ્થિતિમાં એમના અને કિશોરલાલભાઈના ઘરની વચમાં આવીને પડી હતી. કિશોરલાલભાઈએ એને પાણી છાંટ્યું અને થોડું દૂધ પાયું. પછી દુર્ગાબહેને તો એને રીતસર પોતાના ઘરમાં જ રાખી એનું પાલણપોષણ કરવા માંડ્યું. કૂતરી સારી થઈ અને અમે બધાએ એનું નામ પ્રેમી પાડ્યું. પછી તો એને બચ્ચાં થયાં. અમારા બધાના ઘરના ઓટલા સળંગ હતા.

૮૯