પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તે પોતાના માથા ઉપર દબાવી તેની સુંદર પાઘડી બનાવી સતત મારે માથે રાખવાનો ઈજારો નરહરિએ લીધો છે, કાકાસાહેબ અને નરહરિ દરરોજ પથારીમાં જ મને ગરમ પાણીમાં બોળેલા ભીના ટુવાલથી સ્નાન કરાવે છે ત્યારે કાકાસાહેબ એમનાં આંગણામાં ઉગાડેલાં હૉલીહૉકનાં ટગર ટગર જોનારાં ફૂલની વાત કરી ત્યાં જવાની મારી ઉત્કંઠા વધારે છે, સંગીતશાસ્ત્રી પંડિત ખરે બે ત્રણ વાર આવીને પોતાનું મધુરૂં સંગીત સંભળાવી જાય છે, કિશોરલાલભાઈ કોઈ ને કોઈ વાતો કરી મને રીઝવી જાય છે, સ્વામી તથા જુગતરામભાઈ આખો દિવસ નવજીવનમાં કામ કરીને રાતે અહીં આવીને ખડા થઈ જાય છે. પિતાશ્રી અને આ દાક્તરકાકા તો અહીં બેઠા જ રહે છે. અને આ બધા ઉપરાંત બાપુ પંજાબમાં ગમે તેટલા કામમાં હોય છતાં રોજ તેમનો સુંદર કાગળ તો ટપાલમાં હોય છે જ. કહો, આવી સારવાર કોઈની થતી હશે ?” વૈકુંઠભાઈએ જવાબ આપ્યો : “તમે સાચે જ એ બધાના અધિકારી છો, એ બધું સુપાત્રે જ થાય છે.”

૯૧