પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૨૧
યુક્ત પ્રાંતની જેલમાં

૧૯૨૧ના જૂન કે જુલાઈમાં મહાદેવને ‘અિન્ડિપેન્ડન્ટ’ પેપર ચલાવવા માટે પંડિત મોતીલાલજીના કહેવાથી બાપુએ અલ્લાહાબાદ મોકલેલા. થોડા વખત પછી મોતીલાલજી અને જવાહરને સરકારે પકડ્યા અને ત્યાર પછી સરકારથી એ પેપરના લેખોનો તાપ જીરવાયો નહીં એટલે તેના બીજા તંત્રી જ્યૉર્જ જોસેફને પણ પકડ્યા અને જેમાં પેપર છપાતું હતું તે પ્રેસ જપ્ત કર્યું. મહાદેવે I shall not die (હું મરું એમ નથી) એ નામનો લેખ લખી સાઈક્લોસ્ટાઈલના હાથ–મશીન ઉપર પેપર કાઢવા માંડ્યું. એટલે એમને પણ પકડીને તા. ૨૪મી ડિસેમ્બરે એક વરસની સજા કરી. દુર્ગાબહેન તે વખતે અલ્લાહાબાદમાં હતાં અને મહાદેવને સજા થયા પછી તે ત્રણેક મહિના ત્યાં રહેલાં. મહાદેવ પેપર દેવદાસ ગાંધીને સોંપતા ગયેલા. દુર્ગાબહેન હાથ–મશીન ફેરવવામાં તથા પેપરનાં રેપર્સ ચોંટાડવામાં તેમ સરનામાં કરવામાં મદદ કરતાં. તે વખતે બહેનો – ખાસ કરીને ઉત્તર હિંદુસ્તાનમાં, આવાં કામમાં ભાગ્યે જ ભાગ લેતી એટલે દુર્ગાબહેનને કામ કરતાં જોઈ માલવીયજી ખુશ ખુશ થઈ જતા અને એમને બહુ અભિનંદન આપતા.

એ વખતે યુ. પીની જેલોમાં રાજકીય કેદીઓ ઉપર બહુ ત્રાસ ગુજારવામાં આવતો, તેની અલ્લાહાબાદથી આવેલા

૯૨