પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કપડાં ધૂએ અને તે સુકાય ત્યાં સુધી કેવળ લંગોટ પહેરી રાખે, એ તો અશક્ય જ છે.

“ખાવાનું જેલનું જ. ગઈ કાલે ઘેરથી ખાઈને ગયેલા અને સાંજે ત્યાં કંઈ પણ ખાધું ન હતું. આજે સવારે કંઈક રાબ જેવો પદાર્થ આપવામાં આવેલો તે લીધેલો, તેમાંના કાંકરા અને કચરાની તો વાત શી ?

“પાયખાને દિવસના બહાર ખુલ્લામાં જવાય છે. પાણી લેવા માટે વાસણ પેલું (પીવાના) પાણીનું જ વાપરવા મળે છે. રાત્રે પેશાબ માટે એક કૂંડું કોટડીમાં રખાય છે. (પીવાના) પાણીની જેમ એ ખુલ્લું જ રહે છે. હજી બેડીઓ નાખવાની બાકી છે.”

આ વાંચીને મહાદેવના પિતાશ્રી ખૂબ રડી પડેલા અને બોલેલા, “જિંદગીમાં કોઈ દિવસ દુઃખ વેઠ્યું નથી. કઠણાઈ જોયેલી જ નથી. આવી જેલ એક વરસ શી રીતે કાઢશે ?”

બાપુજીએ એમને આશ્વાસનનો કાગળ લખ્યો; તેમાં જણાવ્યું કે મહાદેવને સજા થઈ તે સારું જ થયું છે. એને આરામ મળશે. નહીં તો ત્યાં કામનો બોજો એવો હતો કે એ માંદા પડી જાત. જેલમાં હમણાં કષ્ટ છે પણ મારી ખાતરી છે કે થોડા વખતમાં એ બધું સુધરી જશે. મહાદેવ તો જ્યાં જાય ત્યાં માણસને પોતાના કરી લે એવા છે. મીઠાશથી અને વિનયશીલ વર્તનથી જેલનાં અયોગ્ય દુઃખોનું એ નિવારણ કરી જ શકશે એની મને ખાતરી છે. એટલે ધીરજ ખોશો નહીં અને કશી ચિંતા કરશો નહીં.

૯૪