પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહાદેવ પ્રત્યેના આ વર્તન વિષે યુ. પી. માં ખૂબ ઊહાપોહ થયો. સર લલ્લુભાઈ એ વાઈસરૉયને કાગળ લખ્યો તેને પરિણામે તાબડતોબ એમને ખાસ કેદી ગણી બધી સગવડો આપવામાં આવી. કુલ દસેક દિવસ મહાદેવને પેલી અમાનુષી હાડમારી વેઠવી પડેલી.

બહેનનાં લગ્ન

મહાદેવ આગ્રા જેલમાં હતા ત્યારે એમની બહેનનાં લગ્ન કરવાં પડેલાં. દીકરીના લગ્નમાં અનાવિલ જ્ઞાતિમાં ખર્ચ ભારે થાય છે અને પિતાશ્રી તેનું શું કરશે એની મહાદેવને ચિંતા થઈ. પિતાશ્રીને લખ્યું : “મારી પાસે બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં ર૬૦૦ રૂપિયા છે. તેમાંથી અત્યારે ઉપાડાય તેમ તો નથી. પણ તમને જેટલાની જરૂર હોય તેટલાનું મને લખશો તો હું મથુરાદાસ ત્રિકમજી યા તો વૈકુંઠભાઈ યા તો બીજા ગમે તે મિત્ર પાસેથી લઈને મોકલી આપીશ. ભીડ ન ભોગવશો. હું જેલની બહાર હોત તો કાંઈકે ઉપયોગી થાત. હવે તો તમારે ભાર વહેવાનો રહેવાનો.” છોટુભાઈ આ જ અરસામાં જેલમાં મળવા ગયેલા. તેમની સાથે પણ આજ વાત કહેવડાવી. મને કાગળ લખ્યો તેમાં જણાવ્યું કે તમે લગ્ન વખતે દિહેણ જવાનું ચૂકશો નહીં અને મારા બાપુજીને કહેશો કે જરાયે ભીડ ન વેઠે. મહાદેવના બાપુજીએ પણ મને લખ્યું કે, “મહાદેવ જેલમાં છે તે વખતે લગ્ન કરવાં પડે છે તેનું મને બહુ દુઃખ થાય છે પણ છૂટકો નથી. તમે આવશો તો મને એટલો સંતોષ થશે.” હું દિહેણ ગયો અને પૈસાની વાત કરી પણ તેમણે કહ્યું કે “ખરચની બધી જોગવાઈ મેં કરી રાખી છે.”

૯૫