પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચારપાંચ દહાડા અગાઉ એક કાગળ આવેલો તેમાં લખેલું કે તબિયત નરમ થઈ છે, અને છાતીમાં દુખાવો છે. મેં તરત લખેલું કે રવિવારે હું ધિયા ડૉક્ટરને સુરતથી લઈને આવીશ. પાછો રવિવારે લખેલો તેમનો કાગળ આવ્યો તેમાં મને ડાક્ટરની સાથે આવવાની ના લખી, અને નવજીવન પ્રકાશન મંદિરની ચોપડીઓ મંગાવી, દેશી રંગનું પુસ્તક મંગાવ્યું. આથી હું છેતરાયો. મને થયું કે તબિયત સુધરી હશે, અગાઉની માફક ગભરામણની જ નબળાઈ હશે. સોમવારે એટલે મરણને દિવસે લખેલો કાગળ મને મરણના તાર પછી મળેલ તેમાં લખેલું કે “આ નબળાઈથી જ પ્રાણ જશે એવું લાગે છે. સારો થઈશ તો અમદાવાદ આવી જઈશ.” તે જ દિવસે સાંજે ‘નવજીવન’ કે કાંઈક વાંચતા હતા, બીજા ભાઈ બેઠેલા તેમણે કહ્યું કે “તમે વાંચવાનું છોડો, તમારી તબિયત નબળી, આરામ લો.” બાપુજી બોલ્યા, સાચી વાત છે ભાઈ,” આ શબ્દ પૂરા થયા અને એમનું જીવન પૂરું થયું. એ શબ્દની સાથે જ ગરદન નમી ગઈ; અને આંખ બંધ થઈ ગઈ.

મેં ધીરજ બહુ રાખી છે, પણ વારંવાર તેમનો પ્રેમ, નાની બાબતમાં પણ મારે વિષેની ચિંતા, બધુ યાદ આવે છે ત્યારે આંસુ ખળાતાં નથી. એ આંસુ તો તેમનું સ્મરણ રહેશે ત્યાં સુધી રહેવાનાં. છેલ્લે જ્યારે મળેલા ત્યારે કહે, “આ વખતે તારી છાતી પુરાઈ. નિયમિત જીવનનું એ પરિણામ છે. પણ તું ચંપલ પહેરે તે ઠીક નહીં, સ્લીપર પહેર. પગનાં તળિયાં ફાટી જાય.” હું બાળક જ છું એવો ભાવ એમના મનમાંથી ગયો જ

૯૭