પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવ્યો પણ હવે એકાદ દહાડામાં આવવાનો જ. હું ૧૫-૧૬મીએ આશ્રમ જઈશ, તે પહેલાં તમને કાગળ લખીશ, ત્યારે જો બને તો સુરત આવી જજો. પણ કાગળ ન લખાય તો ચિંતા કરશો નહીં. એટલા ખાતર આશ્રમ તો ન જ આવશો. તમારી લાગણી કાંઈ મળીને તમે વધારે બતાવી શકવાના છો ?

હાલ દુર્ગાને દિવાળી સુધી અહીં રહેવું પડશે. વરસાદ પછી પાછો અહીં આવીશ ત્યારે કદાચ લઈ જાઉં. વરસાદ પછી તમારાથી બને તો એક વાર ઈચ્છાને * [૧] તમારે મળી જવું જોઈએ ખરું. તમારી તેણે વારંવાર ખબર પૂછી હતી. મારા પિતાના તેજને લીધે તે પણ સામાન્ય કરતાં વધારે ઊંચી વૃત્તિની સાવકી મા છે.

મરણ પછી અમારામાં દહાડો થાય છે. મને એ વસ્તુની દુષ્ટતા વિષે ઇચ્છાને સમજાવતાં વાર નહીં લાગી. મારા પિત્રાઈ છોટુભાઈ અને ભીખાભાઈ બંને મળતા થયા. એટલે એક પણ દિવસ સગુંવહાલું કે બ્રાહ્મણ કોઇ ન જમે. શ્રાદ્ધ તો કરીશ જ. કારણ તેમાં મારી વૃત્તિ અજ્ઞાનની છે. જે વસ્તુ સમજી શકતો નથી તે વસ્તુને હું પાખંડ તરીકે નહીં ફેંકી દઈ શકું. પણ શ્રાદ્ધ કરાવ્યા પછી બ્રાહ્મણને બ્રહ્મભોજન જેવી કશી જ વસ્તુ નહીં એમ રાખ્યું છે. બ્રાહ્મણને જોઈએ તો પોતાને ઘેર સીધું લઈ જઈ રાંધી લે. બીજા લોકોને આ વસ્તુ નથી ગમી, પણ મારે તે મારા નિશ્ચય અમલમાં મૂકવાને આ પ્રથમ પ્રસંગ. મારાથી કેમ ડગાય ?


  1. * મહાદેવનાં સાવકાં માતુશ્રી.
૯૯