પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ટીલવા એમ કહેવાતું હશે. કુટુંબની એક શાખા દિહેણથી ઓલપાડ જઈને રહેલી અને ત્યાં એણે જમીન તથા પૈસા સારા સંપાદન કરેલા તેથી ન્યાતમાં એ શાખા વધારે કુલીન ગણાતી. દેસાઈગીરીનો મોટો ભાગ એ લોકોને મળેલો. દિહેણવાળાને તો નામની જ દેસાઈગીરી મળેલી અને બહુ ગરીબ સ્થિતિમાં રહેલા. મહાદેવના દાદા સૂરભાઈ ભગત ગણપતિના ભક્ત હતા. તેઓ ગણેશચતુર્થીને દિવસે ગણપતિનો મોટો ઉત્સવ કરતા, સરઘસ કાઢતા અને જમણ પણ કરતા. જો કે એમની ગરીબાઈ એવી હતી કે વરસમાં કોઈ કોઈ દિવસ એવા પણ જતા જ્યારે ઘરમાં કશું ખાવાનું ન હોય. છતાં ગણપતિ ઉત્સવ કરવાનું તેઓ કદી ચૂક્યા નથી. સૂરભાઇને ચાર દીકરા હતા. તેમાંના મોટા બચપણમાં જ ગુજરી ગયેલા. બાકીના હરિભાઇ, બાપુભાઈ અને ખંડુભાઈ એ ત્રણને નાની ઉંમરના મૂકીને સૂરભાઈ ગુજરી ગયેલા. દાદીમા ઘેર ગાય રાખતાં. તેનુ દૂધ ઘી વેચી ત્રણે છોકરાને એમણે ગામમાં નિશાળ હતી ત્યાં ભણાવેલા. ઘરની થોડી ક્યારી હતી તે માટે એક બળદ રાખતાં અને સૂંઢલ કરીને તે ખેડતાં. પણ બળદ મરી ગયો ત્યારે એક વરસ બે ભાઈઓએ — હરિભાઈ અને બાપુભાઈએ જાતે હળે જુતાઈને તે ખેડેલી અને તેમાં ભાત (ડાંગર) રોપેલું. આમ છતાં તે વખતે, પૈસા સસ્તા થવાને કારણે આજના જેવી મોંઘવારી નહોતી અને લોકોમાં જાતમહેનત અને કરકસરના સદ્‌ગુણ જીવન્ત હતા એટલે આજે જોવામાં આવે છે એ જીવનકલહ તે વખતે હતો જ નહીં. ગરીબ સ્થિતિના ગણાતા લોકોને પણ સારો ખોરાક ભરપેટે મળી રહેતો. હા, આજના