પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જેવી બીજી આળપંપાળ તે વખતે નહોતી. બાપુભાઈને ગુજરાતી સાત ચોપડી પાસ થયા પછી માસિક રૂા. ૪)ની નોકરી મળી ત્યારે તો ઘરમાં આનંદ આનંદ થઈ ગયેલો. પછી એમને તલાટીની રૂા. ૧૨)ની નોકરી મળેલી. પિતાશ્રી હરિભાઈ સાત ચોપડી પાસ થયા પછી અમદાવાદ ટ્રેનિંગ કૉલેજમાં સ્કોલર તરીકે દાખલ થયા અને સીનિયર ટ્રેન્ડ થયા. નાના કાકા ખંડુભાઈએ રાજપીપળા સ્ટેટમાં સર્વેયરની નોકરી લીધી. પાછળથી તેઓ જુનાગઢ સ્ટેટની નોકરીમાં દાખલ થયેલા અને આખર સુધી ત્યાં જ રહેલા.

પિતાશ્રી હરિભાઈને સીનિયર થયા પછી તુકવાડા (તા. પારડી)માં નોકરી મળી, પછી સરસ (તા. ઓલપાડ)માં જ્યાં મહાદેવનો જન્મ થયેલો. મહાદેવનાં બાનું નામ જમનાબહેન. એ દિહેણ ગામનાં જ હતાં. પિયેરની સ્થિતિ પ્રમાણમાં સારી ગણાય. તેઓ બુદ્ધિમાં અને સ્વભાવમાં બહુ તેજ હતાં. આખું ગામ તેમની આમન્યા રાખતું. મહાદેવના શરીરનું કાઠું પિતાશ્રી જેવું હતું. રૂપ માતુશ્રીનું મળેલું. મહાદેવને સાત વરસના મૂકી સને ૧૮૯૯ના જૂન માસમાં લગભગ ૩ર વર્ષની ઉંમરે માતુશ્રી ગુજરી ગયેલાં. માતાપિતા બંને મહાદેવભાઈને બહુ લાડથી રાખતાં. બીજુ કોઈ ધમકાવે તો માતુશ્રી તેને લડતાં અને કહેતાં કે છોકરાંને બિવરાવીએ તો એ બગડી જાય. મહાદેવભાઈએ માતુશ્રીનાં બીજાં કાંઈ સંસ્મરણો તો મને કહેલાં નહીં પણ માતુશ્રી પોતાને બહુ લાડથી ઉછેરતાં, પિતાશ્રીને માસિક પંદર રૂપિયા પગાર મળતો તેમાં પણ બાદશાહની