પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નામું તેઓ કદી પદ્ધતિસર શીખ્યા ન હતા પણ તેની ઝીણવટમાં તેઓ સહેલાઈથી ઊતરી શકતા. બાપુની સાથે પાછળના વખતમાં તેમને મદદનીશો મળ્યા હતા પણ ઘણાં વર્ષો સુધી તેઓ એકલા જ બાપુનું કામ કરતા ત્યારે બધા ખર્ચનો અને રસ્તામાં મળેલાં દાન તથા ભેટનો પાઈએ પાઈનો હિસાબ રાખતા.

પિતાશ્રીનું ગુજરાતી વાચન બહુ વિશાળ હતું. સારાં સારાં ગુજરાતી પુસ્તકો સઘળાં જ તેઓ ચીવટથી વાંચી લેતા. સંસ્કૃત આવડતું નહીં પણ રામાયણ, મહાભારત તથા ગીતા અને ઉપનિષદો તે ઉપરની ટીકાઓ સાથે તેમણે વાંચ્યાં હતાં. ભજન ગાવાનો પણ બહુ શોખ હતો. પરોઢિયે ઊઠીને પથારીમાં બેઠા બેઠા ભજનો ગાતા. શિક્ષણશાસ્ત્રમાં પણ એમને બહુ ઊંડો રસ હતે. આશ્રમમાં આવતા ત્યારે અમારી સાથે રાષ્ટ્રીય શિક્ષણની તેઓ ચર્ચા કરતા, અમારા વર્ગો જોવા આવતા, તે વિષે અમને સૂચનાઓ આપતા અને અમારી સાથે વાતો કરતા. ગામડા ગામમાં પ્રાથમિક શાળાના સામાન્ય શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી તે અમદાવાદની વીમેન્સ ટ્રેનિંગ કૉલેજના હેડમાસ્તરપદેથી નિવૃત્ત થયા. એમ જૂની ઘરેડમાં જ શિક્ષક તરીકે જિંદગીભર કામ કર્યું છતાં શિક્ષણની નવી દૃષ્ટિ સમજતાં અને સ્વીકારતાં તેમને વાર લાગતી નહીં. વિદ્યાર્થીઓને મારવામાં આવે તો જ તેઓ સારા થાય અને ભણે, એ માન્યતા જે વખતે મોટા મોટા શિક્ષણશાસ્ત્રીઓમાં પણ પ્રચલિત હતી તે વખતે પણ એ કદી વિદ્યાર્થીને મારતા