પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘોઘા સુધી મફત જવાય એમ હતું એટલે મછવામાં જ ઘોઘા જવાનું ઠરાવ્યું. કાકાના દીકરાઓ છોટુભાઈ વગેરેને પણ સાથે જ મોકલ્યા. ઘાસતેલને દીવે વાંચે તો આંખ બગડે એમ કરી ઘેરથી દિવેલનો એક ડબો ભરી આપ્યો. દરિયામાં ઊલટી કે બેચેની ન થાય તે માટે ખાવા સારુ સૂંઠ અને ગોળની ગોળીઓ કરી આપી. અને બે દહાડાનું ભાતું બાંધી આપ્યું. બપોરે ખાઈને દિહેણથી નીકળ્યા. ૧૯૦૨ની આખરનો ભાગ અથવા ૧૯૦૩ની શરૂઆત હશે. કાકી, કાકાના બે દીકરા, મહાદેવ તથા રાંદેરના એક ગૃહસ્થ જૂનાગઢમાં સર્વેયર હતા તેમનાં ધણિયાણી અને દીકરી એટલાં હતાં. ત્રણેક વાગ્યે દાંડી પહોંચ્યા. દાંડીથી મછવો સાંજે ઉપડ્યો. સામાન્ય રીતે મછવો દાંડીથી બાર કલાકે ઘોઘા પહોંચે. પણ રસ્તે અનુકૂળ પવન ન લાગ્યા એટલે બીજે દિવસે સવારે પહોંચવાને બદલે મછવો સાંજે ઘોઘા પહોંચ્યો. ઘેરથી પીવાના પાણીનો ઘડો ભરી લીધો હતો પણ મછવામાં ચઢતાં ઘડો ફૂટી ગયેલો અને ખારવાનું પાણી પીએ તો તો વટલાવાય એટલે છેક ઘોઘા પહોંચીને પાણી પીધું. ઘોઘામાં રાતે ધર્મશાળામાં સૂઈ રહ્યા. સવારે ટાંગો કરીને ત્યાંથી બાર માઈલ દૂર ભાવનગર પહોંચ્યા. ભાવનગરમાં પહેલી જ વાર હાથી જોયો. તેથી અમે બધાં છોકરા ખૂબ ખુશ થયેલાં એમ મહાદેવ કહેતા. હરગોવિંદભાઈ જેમને દક્ષિણામૂર્તિ સંસ્થાએ મોટાભાઈ તરીકે જાણીતા કર્યા છે એ ભાવનગરમાં સ્ટેશન માસ્તર હતા. આ હરગોવિંદભાઈ, રામનારાયણ પાઠકના પિતાશ્રી વિશ્વનાથભાઈ તથા જૂનાગઢવાળા ખંડુભાઈ કાકા એ બધા નથુરામ

૧૪