પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધોવા મોકલવાનો કાર્યક્રમ બંધ કરાવ્યો. કાકીએ કૂવા ઉપ૨ કપડાં ધોવાં અને છોકરાઓએ વારાફરતી પાણી ખેંચી આપવું એમ નક્કી થયું. મહાદેવે કોઈ દહાડો પાણી ખેંચેલું નહીં, વારો આવે ત્યારે હાથ લાલચોળ થઈ જાય અને મોં રડવા જેવું થઈ જાય. એટલે છોટુભાઈએ એને પાણી ખેંચવામાંથી મુક્તિ અપાવી અને દાળાચોખા એણે એકલાએ વીણવા એમ નક્કી થયું. ત્યાંની કૉલેજના કમ્પાઉન્ડમાં એક આંબો હતો. તેના મરવા તોડીને છોકરાઓ ખાઈ જતા. એક દિવસ છોટુભાઈ ઉપર ચઢેલા, તોડીને મરવા નાખે તે મહાદેવ તથા બીજો ભાઈ નીચે ઊભા ઊભા ખાય. એટલામાં રખેવાળ આવ્યો. તેણે નીચે ઊભેલા એ બેને પકડ્યા. છોટુભાઈને પકડવા આંબા ઉપર ચડ્યો એટલે એ કૂદીને નાસી ગયા. પેલા બેને હેડમાસ્તર આગળ હાજર કર્યા. તેમણે બંનેના ચાર ચાર આના દંડ કર્યો. ખંડુભાઈ કાકા દંડ માફ કરાવવા હેડમાસ્તર પાસે ગયા પણ તેમણે કહ્યું, ‘હું જાણું છું કે આ છોકરાઓ તોફાની નથી, પણ પકડાયા છે એટલે મારે નિયમ ખાતર દંડ કરવો જ પડે.’ જૂનાગઢમાં એક વરસ રહ્યા. તે આખું વરસ દરરોજ સંધ્યા, એકાદશીના તથા બીજા વ્રતના દિવસોએ ફરજિયાત ઉપવાસ, દર પખવાડિયે એરંડિયાનો જુલાબ એ કાર્યકમ નિયમિત ચાલ્યો. નથુરામ શર્મા જૂનાગઢ આવ્યા હોય ત્યારે એમને દર્શને જવાનું. એ પૂછે : ‘કેમ બંને વારની સંધ્યા કરો છો કે ?’ આમ જૂનાગઢમાં કાંઈક કડક શિસ્તનો અનુભવ થયો.

૧૬