પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 પેલાને કહે : “રજાને દિવસે નિશાળે નથી બોલાવ્યા તેની તને શી ખાતરી ? અમારી પાઈ લઈને તારો ઈજારો પૂરો થવાનો કે ?” ત્યાંથી દિહેણ સાતઆઠ માઈલ થાય તે કોઈ કોઈ વાર ચાલતા જતા. સુરતના પુલથી રાંદેર સુધીના ટાંગાવાળો બે પૈસા લેતો પણ એવા બે પૈસા તેઓ કદી ખર્ચતા નહીં. બે પૈસાનો માવો કે ચણા લઈને ખાઈશું એમ વિચાર કરતા. એક વાર ફળિયામાં પટેલના છોકરાને ટાઈફૉઈડ થયો. મહાદેવને એ છોકરા સાથે દોસ્તી એટલે મહાદેવ એને જોવા જાય અને શાહ પોરવાળા ડૉ. ચંદુલાલ (દાક્તર કાકા)ની દવા ચાલે. એક દિવસ મોડી રાતે એની તબિયત વધારે બગડી આવી. મહાદેવ એને જોવા ગયા. આવીને છોટુભાઈને કહે : “દાક્તરકાકાને બોલાવી લાવવા જોઈએ. પણ અત્યારે રાતે બાર વાગ્યે જાય કોણ ? હું બાપુજીને કહું. તું જશે ?” છોટુભાઈએ કહ્યું : “રસ્તે વડ આગળ ભૂત છે, તેથી અત્યારે કોઈ જાયબાય નહીં. પણ પટેલ એમની ઘોડી આપે તો ઘોડી પૂરપાટ મારી મૂકું અને એક સાસે સુરત જાઉં.” મહાદેવે પિતાશ્રીને વાત કરી અને છોટુભાઈને ઘોડી અપાવી. છોટુભાઈ દાક્તરને બોલાવી લાવ્યા. તેમણે દવા આપી અને પેલા છોકરાને કરાર વળ્યો. મહાદેવ કહે : “કેવું સારું થયું ? આપણને શા પૈસા પડ્યા ?”

૧૯૦૪માં સુરતમાં — ગુજરાતમાં લગભગ બધે જ — પ્લેગ ચાલ્યો એટલે નિશાળ બંધ થયેલી. દિહેણમાં પણ પ્લેગ ચાલતો. બાપુભાઈ કાકા હજીરાની નજીક ડામકા

૧૯